નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 10 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે પ્રદર્શનની જાહેરાત કરી હતી, પરંતુ તેને મંજૂરી મળી નહોતી. બીજા દિવસે 11 ઓક્ટોબરે જંતર-મંતરને પ્રદર્શનો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ભીડ એકઠી થાય તે પહેલાં જ વિવિધ સ્થળોએ પોલીસે બેરિકેડિંગ કર્યું હતું.
BJPના સૂત્રોના જણાવ્યા અનુસાર, CJPનો સામનો કરવાની વ્યૂહરચના ટોચના સ્તરે ઘડવામાં આવી છે. મેદાનમાં કમાન BJP અધ્યક્ષ નીતિન નબીન સંભાળી રહ્યા છે. સૂત્રો જણાવે છે કે CJPની ઘેરાબંધી માટે 150થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, યુટ્યુબર્સ અને સિનિયર પત્રકારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વકીલોની ટીમ કાનૂની ઘેરાબંધી કરી રહી છે. આગામી 2-3 મહિનામાં CJPના કથિત વિદેશી ફંડિંગનો પર્દાફાશ કરવાની પણ તૈયારી છે.
10 ઓક્ટોબરે દિલ્હી એરપોર્ટ પરથી ડિટેઇન કરાયેલા CJP નેતા અભિજીત દીપકેને 11 ઓક્ટોબરે મુક્ત કરવામાં આવ્યા હતા.
સરકારનું પ્લાનિંગ અને નીતિન નબીનનું એક્શન
BJP સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જુલાઈમાં CJPના વિરોધ પ્રદર્શનની અસર જોયા બાદ અત્યાર સુધીમાં ટોચના નેતૃત્વ દ્વારા 4 પગલાં લેવામાં આવ્યા છે:
કનેક્ટિવિટીની દ્રષ્ટિએ સરળ અને સૌથી જાણીતા ધરણાસ્થળ જંતર-મંતરને યાદીમાંથી બહાર કરવાનો નિર્ણય. આ નિર્ણય પર મહોર 29 સપ્ટેમ્બરે જ લાગી ગઈ હતી, પરંતુ આ બાબત લોકો સમક્ષ 11 ઓક્ટોબરે સામે આવી.
કેન્દ્ર સરકારે 29 સપ્ટેમ્બરે રાજ્યોના DGPને એક પત્ર મોકલ્યો હતો. જેમાં જણાવાયું હતું કે તેમના રાજ્યમાંથી 10 ઓક્ટોબરે આવનારા પ્રદર્શનકારીઓને ત્યાં જ અટકાવી દેવા જોઈએ.
યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સના તમામ એકાઉન્ટ્સ પર નજર રાખવા માટે પોલીસની સાયબર સેલને સક્રિય કરવામાં આવી, જેથી CJP સમર્થિત પોસ્ટ આવે તો તેની તપાસ કરી અટકાયત કરી શકાય.
આ તમામ નિર્દેશો માત્ર 10 ઓક્ટોબર પૂરતા સીમિત નહોતા. પોલીસ તેના પર આગળ પણ કાર્યવાહી ચાલુ રાખશે.
ધરણાસ્થળ જંતર-મંતરને કોણે અને કેવી રીતે હટાવ્યું?
સૂત્રોએ જણાવ્યું કે જુલાઈમાં CJPનું વિરોધ પ્રદર્શન જોયા પછી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં એક બેઠક મળી હતી. જેમાં નીતિન નબીન અને બી.એલ. સંતોષ સહિત 5-7 લોકો સામેલ હતા. કેટલાક પોલીસ અધિકારીઓ પાસેથી ઇનપુટ લીધા બાદ આ જ બેઠકમાં જંતર-મંતરને ધરણાસ્થળની યાદીમાંથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો.
સૂત્રોનું કહેવું છે કે, 'આનાથી બે ફાયદા થશે. પહેલો એ કે બહારથી આવનારા લોકોને અટકાવવાનો સમય મળી જશે. બીજો એ કે પ્રદર્શન માટે નક્કી કરાયેલાં ત્રણેય નવા સ્થળો - રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીનું સીબીડી મેદાન, જંતર-મંતર જેટલી સારી કનેક્ટિવિટી ધરાવતાં નથી.'
બીજી બેઠક: 29 સપ્ટેમ્બર
CJPની વધતી તાકાત પર નજર, આકલન કરી રિપોર્ટ તૈયાર કરવાના નિર્દેશ
દિલ્હી BJP કાર્યાલયના સૂત્રએ જણાવ્યું કે, દિલ્હી હેડક્વાર્ટરમાં સવારે 10 વાગ્યાથી સાંજે આશરે 6.30 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જેમાં પાર્ટીના તમામ નવા પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સામેલ થયા હતા.
બેઠકનો સત્તાવાર એજન્ડા સંગઠનાત્મક પ્રવૃત્તિઓનો હતો, પરંતુ મુખ્ય અંદરનો એજન્ડા CJPની વધતી તાકાત અને તેના આંદોલનમાં જોડાતી ભીડને અટકાવવાનો હતો. પ્રભારીઓને સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના રાજ્યોમાં CJPના વધી રહેલા પ્રભાવનો તાગ મેળવે અને તેના પર વિગતવાર અહેવાલ બનાવે.
સૂત્ર મુજબ, પ્રભારીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ યુવાનો વચ્ચે જઈને સમજે કે યુવાનો CJP સાથે માત્ર અસ્થાયી રૂપે જોડાયેલા છે કે પછી તેને લઈને ગંભીર છે. BJP શાસિત રાજ્યોમાં પ્રભારીઓને પોલીસ સાથે સંકલન સાધીને કામ કરવાનો નિર્દેશ અપાયો હતો. બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું કે તમામ રાજ્યોની લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ (LIU) CJP અને તેના પ્રભાવનું આકલન કરી રહી છે.
10 ઓક્ટોબરે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે નીકળેલા પ્રદર્શનકારીઓને પોલીસે ઠેર-ઠેર બેરિકેડિંગ કરીને રોક્યા હતા.
ત્રીજી બેઠક: 9 ઓક્ટોબર
પ્રદર્શન સામે કડકાઈ, વોટર કેનન-ટિયર ગેસ ન છોડવાનો નિર્ણય
નીતિન નબીને BJP કાર્યાલયમાં રાષ્ટ્રીય મહાસચિવો સાથે 3 કલાકથી વધુ સમય સુધી બેઠક કરી હતી. તેનો એજન્ડા સંગઠનના મુદ્દા, યુવા આઉટરીચ અને SIR વિરોધ પ્રદર્શનોનો ફીડબેક લેવાનો હતો. બેઠકના કેન્દ્રમાં CJP પ્રોટેસ્ટનો મુદ્દો અને તેની સામે લડવાની રણનીતિ હતી. તમામ મહાસચિવો પોતાના રાજ્યોના પ્રભારીઓ પાસેથી CJP સંદર્ભે મળેલા ફીડબેક સાથે બેઠકમાં જોડાયા હતા.
સૂત્ર અનુસાર, આ પછી બેઠકમાં CJP આંદોલન સામે કડકાઈ વર્તવા તથા પ્રદર્શનકારીઓ અને નેતાઓની અટકાયત કરવા અંગે સહમતિ બની હતી. જોકે, આ વખતે વોટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લેવાયો હતો.