ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આગામી સંગઠનાત્મક કાર્યો અને ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો માટે પ્રભારી અને સહ પ્રભારીઓની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. કેન્દ્રીય સ્તરે સક્રિય નેતૃત્વને વિવિધ રાજ્યોનું સુકાન સોંપવામાં આવ્યું છે.
પાર્ટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પાર્ટીની રણનીતિને વેગ આપવા માટે વિનોદ તાવડેને પ્રભારી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
દિલ્હી સંગઠનમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં વિનય સહસ્રબુદ્ધેને દિલ્હી યુનિટના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે જમયાંગ ત્સેરિંગ નામગ્યાલ અને દર્શનાબેન જરદોશને સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રામ માધવને ઉત્તરાખંડ અને તમિલનાડુના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે બાંસુરી સ્વરાજને સહ-પ્રભારી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
આ નવી નિમણૂકોમાં કુલ 6 નેતાઓ એવા છે કે જેઓ એક કરતાં વધુ રાજ્યોની જવાબદારી સંભાળશે. આ નેતાઓમાં સ્મૃતિ ઈરાની (છત્તીસગઢ અને હરિયાણા), હરીશ દ્વિવેદી (બિહાર અને કર્ણાટક), સતીશ પૂનિયા (જમ્મુ-કાશ્મીર અને પંજાબ), રામ માધવ (તમિલનાડુ અને ઉત્તરાખંડ), સુનીલ બંસલ (તેલંગાણા અને પશ્ચિમ બંગાળ) તેમજ અનિલ એન્ટની (નાગાલેન્ડના પ્રભારી અને ગોવાના સહ-પ્રભારી)નો સમાવેશ થાય છે.
ગુજરાત માટે તરુણ ચુઘને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અજય મહાવર અને ગોમતી સાઈને સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના આ નવા સંગઠનાત્મક માળખાથી પક્ષની કામગીરી વધુ સઘન બનશે તેવી અપેક્ષા છે.