સત્ય. સાહસ. સંકલ્પ.

ભાજપે રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીઓ જાહેર કર્યા, ગુજરાતના 2 નેતાઓને જવાબદારી

ભાજપે રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીઓ જાહેર કર્યા, ગુજરાતના 2 નેતાઓને જવાબદારી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ્રભારી અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને આ નિમણૂકો કરી છે, જે તાત્કાલિક અમલમાં આવશે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, ગોવા, લદ્દાખ અને લક્ષદ્વીપ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. કેટલાક રાજ્યોમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને આ નિમણૂકો કરવામાં આવી હોવાનું મનાય છે.

ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડેને પ્રભારી બનાવવામાં આવ્યા છે. જગદીશ પટેલ, મેધા કુલકર્ણી, ડૉ. પ્રદીપ વર્મા અને અનંત ઓઝાને સહ-પ્રભારી તરીકે નિમણૂક મળી છે. બિહારમાં હરીશ દ્વિવેદી પ્રભારી રહેશે, જ્યારે સંગીતા યાદવ અને ગુજરાતના નેતા રોહન ગુપ્તાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.

દિલ્હીમાં ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધેને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ અને ગુજરાતના નેતા દર્શનાબેન જરદોશ સહ-પ્રભારી રહેશે. ગુજરાતની વર્ષાબેન દોશીને દીવ, દાદરા અને નગર હવેલીના ભાજપ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.

પંજાબમાં ડૉ. સતીશ પુનિયાને પ્રભારી અને અલ્કા ગુર્જરને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં સંજય ભાટિયા પ્રભારી રહેશે, જ્યારે કવિતા પાટીદાર અને કુલજીત ચહલ સહ-પ્રભારી તરીકે નિયુક્ત થયા છે.

મહારાષ્ટ્રમાં બૈજયંત જય પાંડાને પ્રભારી બનાવવામાં આવ્યા છે. અમિત માલવિયા, સદાનંદ શેઠ તનાવડે અને કમલજીત સેહરાવતને સહ-પ્રભારી તરીકે નિમણૂક મળી છે.

છત્તીસગઢમાં સ્મૃતિ ઈરાની પ્રભારી રહેશે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહ-પ્રભારી તરીકે કામ કરશે. ઝારખંડમાં ગજેન્દ્ર પટેલને પ્રભારી બનાવવામાં આવ્યા છે. સૌરભ સિંહ અને નિવેદિતા સિંહ સહ-પ્રભારી રહેશે. કર્ણાટકમાં હરીશ દ્વિવેદી પ્રભારી અને ડૉ. કાસમ વેંકટેશ્વરલુ સહ-પ્રભારી તરીકે નિયુક્ત થયા છે.

કેરળમાં એમ. નાગરાજાને પ્રભારી અને એમ. વેંકટેશનને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગોવામાં ભારતી પ્રવીણ પવાર પ્રભારી અને અનિલ એન્ટની સહ-પ્રભારી રહેશે. લદ્દાખમાં રાજકુમાર ભાટિયાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે લક્ષદ્વીપમાં જ્યોર્જ કુરિયનને પ્રભારી બનાવવામાં આવ્યા છે.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

23 Sep 2026, 04:15 PM ભાજપે પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા: ગુજરાતના આ નેતાઓને મળી મોટી જવાબદારી