સત્ય. સાહસ. સંકલ્પ.

ભાજપે રાજ્યોમાં નવા પ્રભારીઓ જાહેર કર્યા: ગુજરાતમાં તરુણ ચુગ, સ્મૃતિ ઈરાનીને છત્તીસગઢ અને હરિયાણા

ભાજપે રાજ્યોમાં નવા પ્રભારીઓ જાહેર કર્યા: ગુજરાતમાં તરુણ ચુગ, સ્મૃતિ ઈરાનીને છત્તીસગઢ અને હરિયાણા

ભારતીય જનતા પાર્ટીએ બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા પ્રભારીઓ અને સહપ્રભારીઓની જાહેરાત કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, સ્મૃતિ ઈરાનીને છત્તીસગઢ અને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે રામ માધવને તમિલનાડુ અને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતની જવાબદારી તરુણ ચુગને આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રભારી વિનોદ તાવડે બનાવવામાં આવ્યા છે, જ્યારે પંજાબની જવાબદારી સતીશ પૂનિયાને સોંપવામાં આવી છે. આ ત્રણેય રાજ્યોના પ્રભારીઓની નિમણૂક ગયા 18 ઓગસ્ટે જ કરવામાં આવી હતી. તે સમયે પાર્ટીએ કહ્યું હતું કે બાકીના રાજ્યોના પ્રભારીઓ અને સહપ્રભારીઓની જાહેરાત પછી કરવામાં આવશે.

આ યાદીમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી નથી. તેમાં આંદામાન-નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, લદ્દાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ અને ત્રિપુરામાં પણ ફક્ત પ્રભારીઓની નિમણૂક થઈ છે.

યાદીમાં કેટલીક ખાસ બાબતો પણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં બે પ્રભારી અને બે સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. બૈજયંત જય પાંડા અને અમિત માલવિયા પ્રભારી છે, જ્યારે સદાનંદ શેટ તનવાડે અને કમલજીત સેહરાવત સહપ્રભારી છે.

અનિલ એન્ટનીને નાગાલેન્ડના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને તેઓ ગોવાના સહપ્રભારી પણ રહેશે. ઉત્તર પ્રદેશમાં એક પ્રભારી સાથે ચાર સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. આસામ, બિહાર, દિલ્હી, રાજસ્થાન અને તમિલનાડુમાં બે-બે સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નીતિન નબીને પાર્ટી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યાના 209 દિવસ પછી સોમવારે 65 સભ્યોની કાર્યકારિણીની જાહેરાત કરી હતી. તેમાં રામ માધવને ઉપાધ્યક્ષ અને સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવીને પાછા લાવવામાં આવ્યા છે. ભાજપના આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાને હટાવી દેવામાં આવ્યા છે, તેમનું સ્થાન દીપક મ્હસ્કે લેશે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપાધ્યક્ષ પદે યથાવત્ રહેશે, તેમજ રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ પોતાના પદ પર યથાવત્ રહેશે.