મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે ભાજપ સામે સત્તા વિરોધી લહેર (એન્ટી-ઇન્કમ્બન્સી) કેમ કામ કરતી નથી.
આ નિવેદન બાદ ભાજપે આકરો પલટવાર કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "બિહારમાં 1990 પછી ક્યારેય કોંગ્રેસ સત્તામાં નથી આવી, ત્યાં લાલુ યાદવની સરકાર ત્રણ વખત રહી. ઓડિશામાં 1999 પછી કોંગ્રેસની સરકાર બની નથી અને 25 વર્ષથી વધુ સમય સુધી બીજુ જનતા દળનું શાસન રહ્યું. પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વાર મમતા બેનર્જીની સરકાર બની છે. ઉત્તર પ્રદેશમાં 1989 પછી કોંગ્રેસ સત્તામાં આવી નથી, જે ગાંધી પરિવારનું ગૃહ રાજ્ય હતું. પરંતુ વિપક્ષી નેતાને આ વાતની જાણ નથી."
રાહુલ ગાંધીની રાજકીય પરિપક્વતા પર પ્રહાર કરતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, "તેઓ દાવો કરે છે કે છેલ્લા 50 વર્ષથી તેઓ આ બધું જોઈ રહ્યા છે, એટલે કે 5-6 વર્ષના હતા ત્યારથી જ બધું જાણી રહ્યા છે. વાસ્તવમાં તેમનામાં રાજકીય સમજણનો ભારે અભાવ છે. તેમનું રાજકીય જ્ઞાન શૂન્ય છે અને તેઓ પોતાની બેઠક પણ સમાજવાદી પાર્ટીની મદદથી જીતે છે."
દેશની ચૂંટણી વ્યવસ્થા અંગે વાત કરતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, "દેશમાં જ્યારથી પારદર્શક ચૂંટણીઓ શરૂ થઈ છે, સીસીટીવી કેમેરા આવ્યા છે, સ્વતંત્ર મીડિયા અને સ્વતંત્ર ન્યાયતંત્ર બન્યું છે, ત્યારથી કોંગ્રેસ માટે સત્તામાં આવવાના ફાંફા પડી ગયા છે. વાસ્તવિક એન્ટી-ઇન્કમ્બન્સી ગાંધી પરિવારની અંદર છે. કોંગ્રેસ સામેનો જનાક્રોશ એટલો વધી ગયો છે કે તેઓ અન્ય પક્ષોના ટેકા વિના પોતાની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલી પણ જીતી શકે તેમ નથી."
ચૂંટણી પંચ સંબંધિત એક મીડિયા રિપોર્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, "એક ન્યૂઝ રિપોર્ટનો હવાલો આપવામાં આવી રહ્યો છે, પરંતુ હું પૂછવા માંગુ છું કે શું તેમાં કોઈ અધિકૃત નિવેદન છે? શું એક પણ એવી રિપોર્ટ છે જેમાં કહેવાયું હોય કે પંચનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો ન હતો? જે અહેવાલ સામે આવ્યો છે તેનો સાચો આધાર શું છે? કારણ કે તેમાં કોઈ પણ ચૂંટણી કમિશનરનું સત્તાવાર નિવેદન લેવામાં આવ્યું નથી."
આ પહેલાં રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "હું 50 વર્ષથી વધુ સમયથી આ દેશનું રાજકારણ જોઈ રહ્યો છું. ભારતમાં એન્ટી-ઇન્કમ્બન્સી એક પાયાનું બળ છે, જેનાથી કોઈ સરકાર બચી શકતી નથી. બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા બાદ ઈન્દિરા ગાંધી સામે પણ વિરોધી લહેર ઊભી થઈ હતી. પરંતુ હરિયાણા, મહારાષ્ટ્ર, યુપી, એમપી અને ગુજરાતમાં ભાજપ સામે આ લહેર કેમ ગાયબ થઈ જાય છે, તે મોટો સવાલ છે."