ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં પક્ષના કાર્યક્રમમાં પોતાના જ પક્ષના સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે દેડિયાપાડા વિધાનસભા બેઠક પર AAPના ચૈતર વસાવાને જીતાડવામાં ભાજપના જ સ્થાનિક આગેવાનોનો હાથ હતો.
સાંસદ વસાવાએ કહ્યું કે, 'જ્યારે આપના ઉમેદવાર અંબાજી રથયાત્રા લઈને નીકળ્યા ત્યારે ભાજપના જ હોદ્દેદારોએ સન્માન કરવા પહોંચી ગયા હતા.' તેમણે પક્ષમાં રહીને વિરોધ પક્ષોને મદદ કરનારાઓને ચેતવણી આપી કે, 'જો કોઈને ખોટું લાગતું હોય તો પક્ષ છોડી શકે છે, પરંતુ પક્ષમાં રહીને આપવાળા સાથે દોસ્તી રાખશો તો ભવિષ્યમાં ક્યારેય સફળ થવાશે નહીં.'
તેમણે વહીવટી સ્તરે ચાલતા ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ કરતા કહ્યું કે, 'સત્તા પર બેઠેલા ભાજપના કેટલાક આગેવાનો તલાટીઓને હપ્તા આપે છે. આ હપ્તાખોરી અને કમિશનને કારણે ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકામાં ગુણવત્તા વિનાના વિકાસના કામો થઈ રહ્યાં છે. નબળા કામોને કારણે વિપક્ષોને સરકાર સામે અવાજ ઉઠાવવાની તક મળી જાય છે.'
મનસુખ વસાવાએ ચેતવણી આપી કે, 'સરકારી કામ ભલે ભાજપના કાર્યકરો કરે, પરંતુ કામની ગુણવત્તા જાળવવી અનિવાર્ય છે.' પક્ષના જ મંચ પરથી સાંસદના આ પ્રહારોને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.