સત્ય. સાહસ. સંકલ્પ.

ભાજપ સાંસદે PM મોદીને પત્ર લખી પોતાની જ સરકાર સામે આક્ષેપ કર્યો

ભાજપ સાંસદે PM મોદીને પત્ર લખી પોતાની જ સરકાર સામે આક્ષેપ કર્યો

ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જંગલ જમીન દબાણ અને ફોરેસ્ટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પોતાની જ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વનમંત્રીને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

સાંસદ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે સાગબારાના આદિવાસી ખેડૂતોને આપણી સરકાર ખૂબ હેરાન કરે છે અને તેમને ન્યાય મળતો નથી. તેમણે આ ગંભીર બાબતો પર ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરીને દોષિતો સામે કાયદેસરના કડક પગલાં લેવાની માંગ કરી છે.

પત્રમાં ગંભીર આક્ષેપો કરતાં વસાવાએ જણાવ્યું છે કે ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં ચૈતર વસાવા, ગણેશ વસાવા તથા અન્ય લોકોએ જંગલની 400 થી 500 એકર જમીન પર ગેરકાયદેસર રીતે ખેડાણ કરી દીધું છે. સ્થાનિક લોકો અને માજી સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશાસન મૌન સાધીને બેઠું છે અને દબાણો અટકાવવામાં આવતા નથી.

વધુમાં તેમણે પત્રમાં લખ્યું છે કે નર્મદા અને સુરત જિલ્લાના મોટા ડુંગરો પરથી વૃક્ષો કાપીને જમીન ખેડી નાખવામાં આવી છે. કાગળ પર વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમણે ખુલાસો કરતાં લખ્યું છે કે ગુજરાતમાં RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)ને સારી રેન્જમાં બદલી કરાવવા માટે ₹25 થી ₹30 લાખ આપવા પડે છે.