છોટાઉદેપુર: ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા યુવા સંમેલનમાં ભાજપના સાંસદ જશુ રાઠવાએ વિપક્ષના લોકોને 'કૂતરા' તરીકે સંબોધ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
સાંસદે પોતાના સંબોધનમાં વિપક્ષ પર પ્રહારો કરતી વખતે આ અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ નિવેદન સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી અર્જુન રાઠવા અને આદિવાસી સમાજના અન્ય આગેવાનોએ સાંસદ સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સાંસદ સત્તાના નશામાં બોખલાઈ ગયા છે અને હડકાયા કૂતરાની જેમ બેફામ નિવેદનો આપી રહ્યા છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ બહારથી આવીને છોટાઉદેપુરના ભોળા આદિવાસી સમાજને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે સાંસદ પોતે પણ આદિવાસી સમાજમાંથી ચૂંટાઈને સંસદ સુધી પહોંચ્યા છે, અને વિપક્ષના નેતાઓ પણ આદિવાસી સમાજના જ દીકરા છે. આમ છતાં આ રીતે સંબોધન કરીને સાંસદે સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે બિરસા મુંડાની જન્મજયંતીના દિવસે જ ભાજપ અને કોંગ્રેસે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. રાજ્ય સરકારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજ્યો, જ્યારે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં નસવાડી ખાતે રેલી કાઢીને જાહેરસભા કરી હતી. આ બંને કાર્યક્રમોને આદિવાસી મતદારોને રિઝવવાની હોડ તરીકે જોવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે સરકાર આદિવાસી વિસ્તારોમાં પૂરતો વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે અને યુવાનોને રોજગારી મળતી નથી. જિલ્લામાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ અંગે પૂછવામાં આવતાં તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસની સ્થિતિ નબળી પડી છે, પરંતુ હવે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.
આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં છોટાઉદેપુરના આદિવાસી પટ્ટામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય સક્રિય બની છે, જેના કારણે રાજકીય હલચલ તેજ થઈ છે.