છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર ખાતે યોજાયેલા 'સેવા સેતુ' કાર્યક્રમમાં સંખેડા બેઠકના ભાજપના ધારાસભ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. સરકારી મંચ પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર જાહેરમાં પ્રહારો કરવા સાથે ધારાસભ્યએ તાલુકાના સરકારી અધિકારીઓને પણ ખુલ્લી ચેતવણી આપી દેતાં નવો વિવાદ ઊભો થયો છે.
મળતી વિગતો અનુસાર, સરકારી કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ કુકરદા અને નવગામ જિલ્લા પંચાયત બેઠકના 'આપ' સદસ્યો તરફ ઈશારો કરીને તીખા મહેણાં માર્યા હતા. તેમણે મંચ પરથી કહ્યું હતું કે, "આપના સભ્યો પણ સરકારમાંથી થોડી ઘણી કામગીરી મંજૂર કરાવીને પોતાના વિસ્તારમાં લાવે." વિપક્ષી પ્રતિનિધિઓની હાજરી વચ્ચે સરકારી મંચ પરથી કરાયેલા આ રાજકીય પ્રહારોથી સ્થળ પર વાતાવરણ ગરમાયું હતું.
વિપક્ષ પર પ્રહારો કર્યા બાદ ધારાસભ્યએ તાલુકા કક્ષાના અધિકારીઓને પણ ખુલ્લેઆમ ઠપકો આપ્યો હતો. તેમણે સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરતી વખતે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે તમામ લાભોનું વિતરણ માત્ર તેમના (ધારાસભ્યના) હસ્તે જ થવું જોઈએ. આટલું જ નહીં, લાભ વિતરણ સમયે ફોટોસેશન કરાવવું ફરજિયાત છે તેવી પણ કડક સૂચના અધિકારીઓને આપી દીધી હતી.
સરકારી સ્ટેજ પરથી અપાયેલા આ આદેશો અને રોફ જમાવતો વીડિયો વાઈરલ થતાં જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સ્થાનિક લોકો અને વિપક્ષ દ્વારા ધારાસભ્યની આ કાર્યશૈલી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, વિપક્ષી સભ્યોને ગ્રાન્ટ કે કામો ન આપીને ઊલટાનું સરકારી મંચ પરથી તેમને લલકારીને રાજકીય છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સ્થાનિક નાગરિકોએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે, સરકારી તંત્ર પર રોફ જમાવતા અને ફોટોસેશનની શરતો મૂકતા ધારાસભ્ય પોતે પોતાના વિસ્તારમાં કેટલા વિકાસકામો કરાવ્યા છે તેનો પહેલા હિસાબ આપે. સરકારી કાર્યક્રમનો રાજકીય ઉપયોગ કરવા બદલ હાલ આ મુદ્દો પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.