ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ માટે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની નારાજગી ચિંતાનો વિષય બની છે. વીજળી, જમીન વળતર અને પાક વીમા જેવા મુદ્દે ખેડૂતો સરકારથી નારાજ છે. આ નારાજગી ચૂંટણીમાં નડે તેવા ડરથી ભાજપે ગામડાઓમાં કવાયત શરૂ કરી છે.
પક્ષે કિસાન મોરચાને મેદાને ઉતાર્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં 'ચલો ભેરું ગામડે' અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ નેતાઓ અને કાર્યકરો ગામડાઓમાં જઈને ખેડૂતો સાથે 'ખાટલા પરિષદ' યોજશે. આ પરિષદમાં ખેડૂતોની જમીન વળતર અને વીજળી સંબંધિત ફરિયાદો સાંભળવામાં આવશે.
માત્ર ખેડૂતો જ નહીં, સરપંચોને પણ પક્ષ સાથે જોડવા 'સરપંચ સંવાદ' કાર્યક્રમ યોજાશે. સ્થાનિક સ્તરે સરપંચો પક્ષની તરફેણમાં રહે તો વિપક્ષ માટે ગ્રામીણ વિસ્તારોમાં પકડ બનાવવી મુશ્કેલ બનશે, એવી ગણતરી ભાજપ કરી રહ્યું છે.
મોરબી અને જેતપુર સહિત અન્ય સ્થળોએ ખેડૂત આંદોલનો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. તે ભાજપ સરકાર અને પક્ષ બંને માટે ચેતવણી સમાન છે. તેથી કિસાન મોરચાને ખેડૂતોના દ્વાર સુધી જઈને તેમની મુશ્કેલીઓ સમજવા અને વહીવટી તંત્ર પાસે ઉકેલ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપની આ કવાયત સ્પષ્ટ સંકેત આપે છે કે ચૂંટણી જીતવા માટે ગ્રામીણ મતબેંક પર પકડ જાળવવી જરૂરી છે. હવે જોવાનું એ છે કે 'ચલો ભેરું ગામડે' અભિયાન ખેડૂતોના રોષને શમાવવામાં કેટલું સફળ થાય છે.