નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષના વલણ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ચૂંટણી અધિકારીઓને મળેલા રાજકીય ઇનામોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને તેનો જૂનો રેકોર્ડ યાદ અપાવ્યો હતો.
ગોયલે જણાવ્યું કે, કોંગ્રેસ આજે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહી છે, પરંતુ પોતાના શાસનકાળ દરમિયાન ચૂંટણી અધિકારીઓને આપેલા ઇનામો ભૂલી ગઈ છે. તેમણે કહ્યું, “રાહુલ ગાંધીએ પોતાના સમયમાં એક ચીફ ઇલેક્શન કમિશનરને ગવર્નર બનાવ્યા, એકને કેબિનેટ મંત્રી બનાવ્યા અને એકને પક્ષની ટિકિટ આપી. રાહુલ ગાંધી જે પક્ષપાત કરતા આવ્યા છે તે પોતે જ ભૂલી જાય છે.”
પૂર્વ CEC ટી.એન. શેષનનો સંદર્ભ આપતાં ગોયલે કહ્યું કે, “શેષનની પ્રામાણિકતાના કોંગ્રેસ ખૂબ ગુણગાન ગાતી હતી. પરંતુ 1999માં તેમને અડવાણીજી સામે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની તક આપવામાં આવી. શું આ તેમને રિવોર્ડ આપવાનું કામ નહોતું?”
પૂર્વ CEC એમ.એસ. ગિલનું ઉદાહરણ આપતાં ગોયલે કહ્યું કે, “એમ.એસ. ગિલ 1996થી 2001 સુધી ચીફ ઇલેક્શન કમિશનર હતા. 2000માં પદ પર ચાલુ ચીફ ઇલેક્શન કમિશનરને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા. શું આ તેમની ચાપલૂસી અને કારનામાઓનું ઇનામ નહોતું? રિટાયરમેન્ટના ત્રણ વર્ષ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા, 2004માં રાજ્યસભામાં આવ્યા અને 2008માં તેમને કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા. આનાથી વધુ તમારે કયા પુરાવા જોઈએ કે કોંગ્રેસે ચૂંટણી પંચના હોદ્દાને કેટલા નીચલા સ્તરે પહોંચાડી દીધો અને અધિકારીઓનો કેવો દુરુપયોગ કર્યો?”
ગોયલે કેરળના ચૂંટણી અધિકારીઓ અંગે પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, “ટીકારામ મીણા કેરળના ચીફ ઇલેક્શન ઓફિસર હતા. એક વર્ષ પછી તેમને કોંગ્રેસની રાજસ્થાન મેનિફેસ્ટો ટીમમાં સામેલ કરી લેવાયા. મે 2026માં રતન યુ. કેલકર કેરળના ચીફ ઇલેક્શન ઓફિસર હતા. ચૂંટણી પૂરી થતાં જ વર્તમાન મુખ્યમંત્રી વી.ડી. સતીશને તેમને પોતાના ચીફ સેક્રેટરી જાહેર કરી દીધા. શું આ રાજકીય રોટલા શેકવા જેવું નથી કે તમે ચૂંટણીમાં મદદ કરો અને અમે તમને મોટા પદ પર બેસાડી દઈશું?”
ભાજપે આ પ્રહારો એવા સમયે કર્યા છે જ્યારે INDIA ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચ વિરુદ્ધ નવી રણનીતિ ઘડી રહ્યા છે. રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને ચા પર બોલાવ્યા હતા. અગાઉ વિપક્ષી ગઠબંધને દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ યોજીને CEC સામે અરજી પણ દાખલ કરી છે, જેની સુનાવણી ટૂંક સમયમાં થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, 1999ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષનને ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી સામે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર અડવાણીને 4,53,299 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ટી.એન. શેષનને 2,64,285 મતો મળ્યા હતા અને અડવાણીનો ભવ્ય વિજય થયો હતો.