સત્ય. સાહસ. સંકલ્પ.

દશેરા પર રાવણ દહન નહીં, પૂજા: નોઈડાનું બિસરખ ગામ જ્યાં રાવણને પૂર્વજ માને છે

દશેરા પર રાવણ દહન નહીં, પૂજા: નોઈડાનું બિસરખ ગામ જ્યાં રાવણને પૂર્વજ માને છે

દશેરાના દિવસે સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સ્થિત બિસરખ ગામમાં રાવણને ખલનાયક નહીં પરંતુ પૂર્વજ, વિદ્વાન પંડિત અને શિવભક્ત માનવામાં આવે છે. અહીં રાવણની પૂજા થાય છે.

સ્થાનિક માન્યતા અનુસાર, બિસરખમાં રાવણના પિતા ઋષિ વિશ્રવા (વિશ્વેશ્વરા) અને દાદા મહર્ષિ પુલસ્ત્યનો આશ્રમ હતો. ઋષિ વિશ્રવાએ અહીં વર્ષો સુધી તપસ્યા કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે દર્શન આપીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. ઋષિ વિશ્રવાના નામ પરથી જ આ ગામનું નામ બિસરખ પડ્યું હોવાનું માનવામાં આવે છે. આ ભૂમિ પર જ રાવણ, કુંભકર્ણ, વિભીષણ, મેઘનાદ અને શૂર્પણખાનો જન્મ થયો હોવાનું સ્થાનિકો માને છે. ધનના દેવતા કુબેરનો જન્મ પણ આ જ સ્થળે થયો હોવાની લોકવાયકા છે.

મંદિરમાં સ્થાપિત પ્રાચીન શિવલિંગ સ્વયંભૂ છે, જે માણસ દ્વારા સ્થાપિત નથી. તે જમીનની અંદર આશરે 15 ફૂટ ઊંડું વિસ્તરેલું હોવાનું કહેવાય છે. માન્યતા અનુસાર, રાવણનો જન્મ એક જ માથા સાથે થયો હતો. તેણે આ જ શિવલિંગ સમક્ષ કઠોર તપસ્યા કરી અને પોતાના 10 મસ્તક કાપીને શિવજીના ચરણોમાં અર્પણ કર્યા, જેના ફળસ્વરૂપે તેને અસીમ શક્તિઓ મળી. શક્તિઓ મેળવ્યા બાદ તે લંકા ગયો. શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા પણ રાવણે જ શરૂ કરી હોવાનું વડીલો જણાવે છે.

બિસરખમાં રાવણને પૂર્વજ અને આદર્શ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા એવી છે કે ભૂતકાળમાં જ્યારે પણ કોઈએ અહીં રાવણનું પૂતળું બાળવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગામમાં કોઈ મોટી આપત્તિ આવી પડી. આ કારણોસર અહીં ક્યારેય રાવણ દહન થતું નથી.

ગામના લોકો રાવણના જ્ઞાન અને રાજધર્મની પ્રશંસા કરે છે. તેમના મતે રાવણ ચારેય વેદોનો જાણકાર પંડિત હતો. તેના રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂતું નહોતું; તે પોતે ભોજન કરતા પહેલા દૂતો મોકલીને ખાતરી કરાવતો કે કોઈ ભૂખ્યું નથી. રાવણ એટલો શક્તિશાળી હતો કે તેના દરબારમાં દેવતાઓ પણ દાસ સમાન હતા. સ્થાનિકો માને છે કે સીતાહરણ પાછળ તેની બહેન શૂર્પણખાના અપમાનનો બદલો અને કુળને મોક્ષ અપાવવાનો ઉદ્દેશ્ય હતો, કારણ કે રાવણ જાણતો હતો કે ભગવાન રામના હાથે જ તેને મોક્ષ મળશે. લોકો કહે છે કે રાવણે માત્ર એક જ ભૂલ કરી હતી, બાકી તેના જેટલો જ્ઞાની બ્રહ્માંડમાં કોઈ નહોતો.

મંદિર પરિસરમાં એક પ્રાચીન ભોંયરું (ગુફા) છે, જેને હાલ લોખંડની સાંકળો મારીને કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે. લોકવાયકા મુજબ આ ગુફા અંદરથી ગાઝિયાબાદના દૂધેશ્વરનાથ મંદિર અને લંકા સુધી જતી હતી, જે માર્ગે રાવણ પૂજા કરવા જતો. મંદિરના પ્રવેશદ્વાર પર રાવણની મૂર્તિ 24 કલાક દર્શન માટે ઉપલબ્ધ છે, જ્યારે મુખ્ય મૂર્તિ વર્ષમાં માત્ર એક જ વાર દશેરાના પર્વ દરમિયાન ત્રણ દિવસ માટે દર્શનાર્થે બહાર કાઢવામાં આવે છે.

આ ઐતિહાસિક સ્થળ અને શિવલિંગના દર્શન કરવા ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત શ્રીલંકા, રશિયા અને લંડનથી પણ સંશોધકો તથા શ્રદ્ધાળુઓ આવે છે. બિસરખ ગામના લોકો માટે આ સ્થાન માત્ર ધાર્મિક ધામ નથી, પરંતુ તેમની ઐતિહાસિક ઓળખ છે, જ્યાં રાવણને અસુર તરીકે નહીં પરંતુ જ્ઞાની, શિવભક્ત અને વિદ્વાન પૂર્વજ તરીકે પૂજવામાં આવે છે.