અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે લોરેન્સ બિશ્નોઈને પોતાનું બાળક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો સલમાન ખાન બીકાનેર સ્થિત બિશ્નોઈ સમાજના પવિત્ર ધામ મુકામ આવીને માફી માંગે, તો સમાજ તેને માફ કરી દેશે અને તેની સુરક્ષાની જવાબદારી પણ ઉપાડશે.
આ નિવેદન તેમણે 25 ઓક્ટોબરે રાજસ્થાનના જોધપુર જિલ્લાના જાજીવાળ ધોરામાં યોજાયેલા ખીર મહોત્સવમાં આપ્યું હતું. તેમનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.
બુડિયાએ કાર્યક્રમમાં હાજર લોકોને પોતાના મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરવા જણાવ્યું અને કહ્યું, 'તમારા ભાઈ લોરેન્સ માટે એવું કહો કે સલમાને અહીં મુકામ પર આવીને માફી માંગવી પડશે, ત્યારબાદ સમાજ તેને માફ કરશે અને તેની સુરક્ષા પણ કરશે. જો જીવની રક્ષા થશે તો તેનો ભય હંમેશા માટે દૂર થઈ જશે.'
છ દિવસ પહેલાં પણ બુડિયાએ લોરેન્સનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેમની સામે અત્યાર સુધી કોઈ ગુનો સાબિત થયો નથી, તેથી તે તેમના માટે હીરો છે. તેમણે કહ્યું હતું કે સલમાન ખાન માફી માંગી શકે છે અને સમાજની ધાર્મિક માન્યતાઓ (જીવ રક્ષા) હેઠળ તેને માફ કરવા વિચારણા કરી શકાય છે. ગોળીબાર જેવી હિંસા ખોટી છે અને બંને પક્ષો તરફથી ભૂલો થઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત, થોડા દિવસ પહેલાં દેવેન્દ્ર બુડિયાએ કેનેડામાં હરિયાણાના વતની બિશ્નોઈ સમાજના યુવાનો સાથે થઈ રહેલા ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેનેડિયન દૂતાવાસને પત્ર લખીને બિશ્નોઈ સમાજને નિશાન ન બનાવવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બુડિયાનો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઈ સાથે વિવાદ થઈ ચૂક્યો છે. બુડિયાએ કુલદીપ પર મહાસભામાંથી જબરદસ્તી રાજીનામું આપવા માટે દબાણ બનાવવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. બંને વચ્ચેનો મામલો એટલો વધી ગયો કે બંનેએ એકબીજા વિરુદ્ધ મહાસભામાં મોટા નિર્ણયો લીધા. દેવેન્દ્ર બુડિયાએ કુલદીપ પાસેથી 'બિશ્નોઈ રત્ન' પરત લઈ લીધો અને તેના બદલામાં કુલદીપે દેવેન્દ્ર બિશ્નોઈને મહાસભાના પ્રમુખ પદેથી હટાવીને અન્ય વ્યક્તિને પ્રમુખ બનાવી દીધા. જોકે, બંને વચ્ચેની આ લડાઈ હજુ પણ કાયદેસર રીતે ચાલુ છે અને બુડિયા હજુ પણ અધ્યક્ષ પદ પર યથાવત છે.