સત્ય. સાહસ. સંકલ્પ.

બાઈનાન્સ પર સાયબર હુમલાની આશંકા, 5.9 અબજ ડૉલરની ચોરીનો દાવો; બિટકોઈનમાં ઘટાડો

બાઈનાન્સ પર સાયબર હુમલાની આશંકા, 5.9 અબજ ડૉલરની ચોરીનો દાવો; બિટકોઈનમાં ઘટાડો

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઈનાન્સ (Binance) પર સાયબર હુમલાની આશંકા સામે આવી છે. બ્લોકચેન એનાલિટિક્સ કંપની ચેનાલિસિસ (Chainalysis) એ અંદાજ વ્યક્ત કર્યો છે કે આ હુમલામાં અંદાજે 5.912 અબજ ડૉલરની ક્રિપ્ટોકરન્સી ચોરાઈ હોઈ શકે છે. જોકે, બાઈનાન્સે હજુ સુધી યુઝર્સના ફંડ ચોરાયાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

કંપનીનું કહેવું છે કે તેના યુઝર્સના નાણાં સુરક્ષિત છે અને તેની સિક્યોરિટી ટીમ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. બાઈનાન્સે યુઝર્સને ફેક મેસેજ, અનધિકૃત લિંક્સ અને એકાઉન્ટની અંગત માહિતી માંગતી શંકાસ્પદ વિનંતીઓથી સાવધ રહેવાની સલાહ આપી છે.

આ અહેવાલોના કારણે બિટકોઈનની કિંમતમાં 3.7%નો ઘટાડો નોંધાયો છે. બિટકોઈન 79,000 ડૉલરથી નીચે ઉતરી ગયું છે, જે સપ્ટેમ્બર પછીનું તેનું સૌથી નીચું સ્તર છે. ક્રિપ્ટો ડેટા પ્લેટફોર્મ વેલો ડેટાના CEO ફ્રેડરિક કોલિન્સે જણાવ્યું કે બાઈનાન્સના હેક થવાની અફવાઓથી કોઈનની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે ક્રિપ્ટો બજારમાં બાઈનાન્સ એટલું મોટું નામ છે કે તેમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગે તો સમગ્ર ઉદ્યોગના મિજાજ પર સીધી અસર પડે છે.

રિપોર્ટ મુજબ, બાઈનાન્સે સંભવિત ચોરી અટકાવવા માટે અંદાજે 2.5 અબજ ડૉલરના ફંડ ફ્રીઝ કર્યા છે. જોકે, આ કાર્યવાહી અને કથિત ચોરી સાથે જોડાયેલી તમામ વિગતોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે. બાઈનાન્સના પ્રવક્તાએ કહ્યું કે કંપની સંભવિત સુરક્ષા જોખમ સાથે જોડાયેલા અહેવાલોથી વાકેફ છે અને તાત્કાલિક તપાસ કરી રહી છે. કંપનીના સહ-સ્થાપક ચાંગપેંગ ઝાઓએ પણ એક્સચેન્જ સંભવિત રીતે હેક થયાની આશંકા વ્યક્ત કરી છે. અધિકૃત તપાસનો અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી છે. બાઈનાન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે તેની ટેકનિકલ ટીમો સુરક્ષા અહેવાલોની ચકાસણી કરી રહી છે અને યુઝર્સનું ફંડ સુરક્ષિત છે.

આ દરમિયાન બાઈનાન્સની 23 ઓક્ટોબરની એક પ્રેસ રિલીઝ ચર્ચામાં છે, જેમાં કંપનીએ દાવો કર્યો હતો કે 2026ના પ્રથમ છ મહિનામાં તેની AI આધારિત સુરક્ષા પ્રણાલીએ 4.6 અબજ ડૉલરની સંભવિત ચોરી રોકી હતી અને 80 લાખથી વધુ યુઝર્સને સુરક્ષિત રાખ્યા હતા. બાઈનાન્સ કહે છે કે તે એકાઉન્ટ સુરક્ષા માટે મલ્ટી-લેયર મોનિટરિંગ અને રિસ્ક-બેઝ્ડ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એનાલિસ્ટ્સના મતે ચોરીની રકમ અંગે અલગ-અલગ અટકળો છે, તેથી સંપૂર્ણ તપાસ પૂરી થાય અને અધિકૃત માહિતી ન આવે ત્યાં સુધી કોઈપણ એક આંકડાને આખરી માનવો યોગ્ય નથી.

ક્રિપ્ટો એક્સચેન્જો પર સાયબર હુમલાનું જોખમ નવું નથી. 2025માં ઉત્તર કોરિયા સાથે સંકળાયેલા હેકર્સોએ બાયબિટ (Bybit) એક્સચેન્જમાંથી અંદાજે 1.5 અબજ ડૉલરની ક્રિપ્ટોકરન્સી ચોરી લીધી હતી. ઉત્તર કોરિયાના હેકર્સ પર લાંબા સમયથી ક્રિપ્ટો ચોરી અને ઓનલાઈન ફ્રોડ દ્વારા ભંડોળ એકઠું કરવાના આરોપ લાગતા રહ્યા છે.