સત્ય. સાહસ. સંકલ્પ.

બાઇનેન્સ ક્રિપ્ટો એક્સચેન્જ હેક: 5 બિલિયન ડૉલરની ચોરી, ડિપોઝિટ-વિડ્રૉલ બંધ

બાઇનેન્સ ક્રિપ્ટો એક્સચેન્જ હેક: 5 બિલિયન ડૉલરની ચોરી, ડિપોઝિટ-વિડ્રૉલ બંધ

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઇનેન્સ હેક થયાની ઘટના સામે આવી છે. કંપનીએ ગ્રાહકોના નાણાં જમા કરવા અને ઉપાડવા પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. ક્રિપ્ટો એનાલિટિક્સ ફર્મ્સના અંદાજ મુજબ, આ હેકિંગમાં 5 બિલિયન ડૉલરથી વધુ એટલે કે આશરે રૂ. 50,000 કરોડની ક્રિપ્ટો ચોરી થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં 5%થી વધુનો ઘટાડો નોંધાયો હતો.

શું થયું?

બાઇનેન્સના ડિજિટલ લૉકરમાં ઘૂસણખોરી થઈ છે. હેકર્સે કંપનીની સુરક્ષા વ્યવસ્થાને તોડીને સિસ્ટમમાં પ્રવેશ કર્યો અને હજારો કરોડ રૂપિયાના ક્રિપ્ટો કૉઇન્સ ચોરી લીધા. કંપનીએ તરત જ ત્રણ મોટા પગલાં લીધાં છે:

1. લેણદેણ પર રોક: ઘૂસણખોરીની જાણ થતાં જ ગ્રાહકોના નાણાં જમા કરવા અને ઉપાડવા પર રોક લગાવી દેવામાં આવી, જેથી ચોરો વધુ નાણાં ઉપાડી ન શકે.

2. વળતરની ખાતરી: બાઇનેન્સે ગ્રાહકોને ખાતરી આપી છે કે તેમનાં નાણાં સુરક્ષિત છે. જો તપાસમાં ગ્રાહકોને નુકસાન થયાનું સાબિત થશે, તો કંપની ભરપાઈ કરશે.

3. તપાસ શરૂ: કંપનીની સુરક્ષા ટીમો આંતરરાષ્ટ્રીય પોલીસ અને સાયબર નિષ્ણાતો સાથે મળીને હેકર્સને શોધવામાં લાગી છે. ચોરેલા નાણાંના માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

કેટલું નુકસાન?

બાઇનેન્સે હજુ સુધી ચોરાયેલી ક્રિપ્ટોની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ એનાલિટિક્સ ફર્મ્સે મોટા નુકસાનનો અંદાજ વ્યક્ત કર્યો છે. ગ્લાસનોડના અંદાજ મુજબ 5.3 બિલિયન ડૉલર, જ્યારે ચેનાલિસિસના અંદાજ મુજબ 5.9 બિલિયન ડૉલર એટલે કે આશરે રૂ. 50,000 કરોડની ચોરી થઈ છે. જો આ અંદાજ સાચા હશે, તો આ ક્રિપ્ટો ઉદ્યોગના ઇતિહાસની સૌથી મોટી ચોરી હશે. અગાઉ 2025માં દુબઈ સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ બાયબિટમાંથી ઉત્તર કોરિયાના હેકર્સ દ્વારા 1.5 બિલિયન ડૉલરની ચોરી થઈ હતી, જે અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હતી. બાઇનેન્સની આ ઘટના તેનાથી લગભગ ચાર ગણી મોટી છે.

ભારતીય યુઝર્સ પર અસર?

બાઇનેન્સના 100થી વધુ દેશોમાં 30 કરોડથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ છે. તેમાં 2થી 2.5 કરોડ ભારતીય યુઝર્સ હોવાનો અંદાજ છે. જોકે, કેટલા યુઝર્સના વ્યક્તિગત ખાતાં પર અસર પડી છે તેનો ચોક્કસ આંકડો કંપનીએ જાહેર કર્યો નથી. રાહતની વાત એ છે કે બાઇનેન્સનું અમેરિકન ડિવિઝન બાઇનેન્સ US આ ઘટનાથી સુરક્ષિત છે.

હેકર્સે કેવી રીતે ઘૂસણખોરી કરી?

બાઇનેન્સના જણાવ્યા અનુસાર, આ ઘૂસણખોરી તેમના એક ડેવલપર એન્જિનિયરના લેપટોપને હેક કરવામાં આવવાથી થઈ હોઈ શકે છે. આશંકા છે કે આ લેપટોપ દ્વારા હેકર્સે સર્વિસ કન્ટેનર સુધી પહોંચ મેળવી અને અનધિકૃત વિડ્રૉલના ઓર્ડર સબમિટ કર્યા. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ યુઝરની પ્રાઇવેટ કી લીક થયાના પુરાવા મળ્યા નથી.

એસેટ્સ ફ્રીઝ કરવાની કાર્યવાહી

બાઇનેન્સે પોતે લગભગ 3 બિલિયન ડૉલર એટલે કે રૂ. 29,000 કરોડની ડિજિટલ એસેટ્સ ફ્રીઝ કરી છે. આ ઉપરાંત, અન્ય બે ક્રિપ્ટો પ્લેટફોર્મ ટેથરે 1.6 બિલિયન ડૉલર અને સર્કલે 800 મિલિયન ડૉલરની એસેટ્સ ફ્રીઝ કરી છે. કુલ મળીને ત્રણેય કંપનીઓએ લગભગ 5.4 બિલિયન ડૉલર એટલે કે રૂ. 50,000 કરોડની એસેટ્સ બ્લોક કરી છે.

ભૂતપૂર્વ સીઈઓની પ્રતિક્રિયા

બાઇનેન્સના ભૂતપૂર્વ વડા ચાંગપેંગ ઝાઓ (CZ)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આ ઘટના હેક જેવી લાગે છે. CZ હવે કંપનીનું સંચાલન કરતા નથી, પરંતુ તેઓ હજુ પણ બાઇનેન્સના મુખ્ય શેરહોલ્ડર છે.

બજાર પર અસર

ચેતવણી જાહેર થતાં જ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમતમાં આશરે 5%નો ઘટાડો નોંધાયો. એથેરિયમ સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.