ઘણા લોકો પોતાની બચત પોસ્ટ ઓફિસમાં રાખે છે, કારણ કે તેમને ત્યાં સરકારી ગેરંટીનો ભરોસો હોય છે. પરંતુ મધ્યપ્રદેશની બીના પોસ્ટ ઓફિસમાં થયેલી છેતરપિંડીએ આ ભરોસા પર સવાલ ઊભો કર્યો છે. અહીંના કેટલાક પોસ્ટલ કર્મચારીઓએ મળીને ગ્રાહકો પાસેથી આશરે 36.4 લાખ રૂપિયા લઈ લીધા હતા અને તેમને નકલી દસ્તાવેજો તથા બનાવટી પાસબુક આપી હતી.
આ કેસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે 15 ઓક્ટોબર, 2026ના રોજ ગ્રાહકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ટપાલ વિભાગને પીડિતોને તેમના ગુમાવેલા નાણાં વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે.
બીના પોસ્ટ ઓફિસમાં કેટલાક લોકો નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને ફિક્સ ડિપોઝિટ (FD)ના ખાતા ખોલાવવા આવ્યા હતા. ત્યારે પોસ્ટ ઓફિસના કેટલાક કર્મચારીઓએ તેમને ફોર્મ ભરવામાં મદદ કરી હતી અને રોકાણના નાણાં સ્વીકાર્યા હતા. ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે તેમને ખાતું ખૂલ્યાના નકલી દસ્તાવેજો અને બનાવટી પાસબુક પણ આપવામાં આવી હતી. થોડા સમય પછી ગ્રાહકોને જાણ થઈ કે દસ્તાવેજો નકલી હતા અને તેમના 36.4 લાખ રૂપિયા ગયા હતા.
ઘટના સામે આવતાં પોલીસે આરોપી કર્મચારીઓની ધરપકડ કરી હતી અને કોર્ટે તેમને સજા ફટકારી હતી. તેમ છતાં ટપાલ વિભાગે શરૂઆતમાં ગ્રાહકોને નાણાં પરત કરવાનો ઇનકાર કર્યો હતો. વિભાગની દલીલ હતી કે છેતરપિંડી કરનાર કર્મચારીઓનું સત્તાવાર પોસ્ટિંગ તે સમયે બીના પોસ્ટ ઓફિસમાં નહોતું. વિભાગે ઘટના માટે ગ્રાહકોને જવાબદાર ઠેરવ્યા હતા અને રિફંડનો દાવો ફગાવી દીધો હતો. આથી નિરાશ થયેલા રોકાણકારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું કે સામાન્ય ગ્રાહક પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓની બદલી કે પોસ્ટિંગની સત્તાવાર માહિતી ધરાવતો હોય. જ્યારે કોઈ કર્મચારી પોસ્ટ ઓફિસમાં બેસીને ગ્રાહકોને સેવા આપે છે, ત્યારે તેના અધિકારો તપાસવાની જવાબદારી ગ્રાહકની હોતી નથી. ગ્રાહકોએ પોસ્ટ ઓફિસની પ્રતિષ્ઠા જોઈને શુદ્ધ દાનતથી કર્મચારીઓ પર વિશ્વાસ મૂક્યો હતો.
હાઈકોર્ટના આદેશ મુજબ પીડિત ગ્રાહકોએ નાણાં પાછા મેળવવા માટે નિર્ધારિત ફોર્મ ભરીને 30 કામકાજના દિવસોમાં સંબંધિત પોસ્ટલ અધિકારીને જમા કરાવવાનું રહેશે. ફોર્મ મળ્યા પછી અધિકારીએ 90 દિવસમાં દાવાની પ્રક્રિયા પૂરી કરીને નાણાં પરત કરવાના રહેશે. પીડિતોને માત્ર મૂળ રકમ જ નહીં, પરંતુ નિયમો પ્રમાણે ફિક્સ ડિપોઝિટ પર મળવાપાત્ર વ્યાજ પણ ચૂકવવામાં આવશે.