બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની સિલ્હટથી લંડન જતી ફ્લાઈટમાં 17 ઓક્ટોબરે બે મુસાફરો વચ્ચે મારામારી થઈ હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી આ ઘટનામાં એક મુસાફરની ટી-શર્ટ ફાટી ગઈ હતી. કેબિન ક્રૂ અને અન્ય મુસાફરોએ માંડ-માંડ તેમને અલગ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે મુસાફરો વચ્ચે શરૂઆતમાં કોઈ મુદ્દે આક્રમક બોલાચાલી થાય છે અને થોડી જ વારમાં મામલો મારામારી સુધી પહોંચી જાય છે. બંને એકબીજા પર મુક્કા વરસાવવા લાગે છે, જેમાં એક મુસાફરની ટી-શર્ટ ફાટી જાય છે અને તે સીટ પાસે નીચે પટકાય છે. આ ઝપાઝપી જોઈને આસપાસના મુસાફરો અને કેબિન ક્રૂ તાત્કાલિક વચ્ચે પડીને બંનેને છૂટા પાડે છે.
હવામાં ઊડતા વિમાનમાં અચાનક થયેલી આ હિંસક ઘટનાથી ફ્લાઈટમાં બેઠેલા બાળકો અને વૃદ્ધોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અણધારી બબાલના કારણે કેબિનમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી અને અન્ય મુસાફરોના ચહેરા પર ભય સ્પષ્ટપણે જોવા મળતો હતો.
બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સના જનરલ મેનેજર મોહિઉદ્દીન અહેમદે ઘટનાની પુષ્ટિ કરી છે કે, સિલ્હટથી લંડન જતી ફ્લાઈટમાં બે મુસાફરો વચ્ચે વિવાદ બાદ મારામારી થઈ હતી, જેને ક્રૂ મેમ્બર્સે સમયસર નિયંત્રણમાં લીધી હતી. જોકે વિમાનના લેન્ડિંગ બાદ આ બંને મુસાફરો સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેની માહિતી હજુ સામે આવી નથી.