સત્ય. સાહસ. સંકલ્પ.

લંડનથી ઢાકા જતી બિમાન એરલાઇન્સની ફ્લાઇટમાં બે મુસાફરો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

લંડનથી ઢાકા જતી બિમાન એરલાઇન્સની ફ્લાઇટમાં બે મુસાફરો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટમાં બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. બંને મુસાફરોએ એકબીજાને મુક્કા માર્યા હતા. આ દરમિયાન એક મુસાફરનું ટી-શર્ટ ફાટી ગયું હતું. આસપાસ બેઠેલા મુસાફરો અને કેબિન ક્રૂએ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બંને મુસાફરો પહેલા દલીલ કરી રહ્યા છે. થોડી જ વારમાં બંને હાથાપાઈ પર ઉતરી આવે છે. ઝઘડા દરમિયાન આસપાસ બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા હતા. ફ્લાઇટમાં બાળકો અને વૃદ્ધો પણ હાજર હતા.

મારામારી વધતાં કેટલાક મુસાફરો અને કેબિન ક્રૂના સભ્યો બંનેની વચ્ચે પહોંચી ગયા અને તેમણે બંનેને અલગ કરીને પરિસ્થિતિ સંભાળી હતી. વીડિયોમાં મુસાફરોને પણ ઝઘડો રોકવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.

આ ઘટનાની જાણકારી બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સને ન હતી. એરલાઇન્સના જનરલ મેનેજર (પબ્લિક રિલેશન્સ) મહબૂબુદ્દીન અહમદે ઢાકા ટ્રિબ્યુનને જણાવ્યું કે, "મને હાલમાં આ મામલે કોઈ જાણકારી નથી. હું તેની માહિતી મેળવી રહ્યો છું." એરલાઇને હજુ સુધી વિવાદનું કારણ અને બંને મુસાફરો સામે કરવામાં આવનારી કાર્યવાહી અંગે માહિતી આપી નથી.