ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટના નાના ભાઈ બિલી રૂટે 34 વર્ષની વયે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 14 વર્ષની કારકિર્દી બાદ બિલીએ કહ્યું કે હવે જીવનના આગલા તબક્કે આગળ વધવાનો સમય આવી ગયો છે. તેઓ ગ્લેમોર્ગનના ત્રણ બેટ્સમેનોમાં સામેલ છે, જેમની પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દી આ અઠવાડિયે પૂરી થઈ રહી છે. તેમની સાથે ક્રિસ કૂક અને કોલિન ઇંગ્રામ પણ નિવૃત્તિ લઈ રહ્યા છે.
બિલી રૂટની છેલ્લી સીઝન ખાસ વ્યસ્ત નહોતી. તેમણે આ વર્ષે માત્ર બે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમી હતી અને ગ્લેમોર્ગનની સેકન્ડ ઇલેવન ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. ક્લબે 2026 સીઝનના અંતે તેમની પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની પુષ્ટિ કરી છે. આ સાથે સોફિયા ગાર્ડન્સમાં તેમની આઠ વર્ષની સફર પણ પૂરી થશે.
પોતાની નિવૃત્તિની જાહેરાત કરતાં બિલી રૂટે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે બે શ્રેષ્ઠ ક્લબનું પ્રતિનિધિત્વ કરવું અને ચાર ટ્રોફી જીતનારી ટીમોનો ભાગ બનવું તેમના માટે ખૂબ મોટું સન્માન રહ્યું છે. તેમણે પોતાને ભાગ્યશાળી ગણાવ્યા કે તેમને ક્રિકેટ જેવી રમતમાં કારકિર્દી બનાવવાની તક મળી, જેને તેઓ બાળપણથી પ્રેમ કરતા આવ્યા છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા 14 વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ તેઓ કંઈપણ બદલવા માંગશે નહીં.
ગ્લેમોર્ગન ક્રિકેટે સોશિયલ મીડિયા પર બિલી રૂટને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું કે સોફિયા ગાર્ડન્સ ખાતે સાત વર્ષ, લગભગ 5,000 રન, બે વન-ડે કપ ટાઇટલ અને અનેક નિર્ણાયક ઇનિંગ્સ બાદ બિલી રૂટ 2026 સીઝનના અંતે નિવૃત્તિ લેશે.