આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને લઈને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, AI એટલું શક્તિશાળી છે કે ખોટા ઈરાદા ધરાવતા લોકો તેનો ઉપયોગ એવી ઘટનાઓ માટે કરી શકે છે, જેમાં 100 કરોડ (એક અબજ) લોકો સુધીના મોત થઈ શકે છે.
એક કાર્યક્રમમાં આપેલા ઈન્ટરવ્યુમાં ગેટ્સને AIના સંભવિત જોખમો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબમાં તેમણે કહ્યું કે, AI એવી ઘટનાઓને અંજામ આપવામાં સક્ષમ બની શકે છે, જેમાં એક અબજ લોકોના જીવ જઈ શકે છે. જોકે, તેમનો મતલબ એ નહોતો કે AIના કારણે નિશ્ચિતપણે એક અબજ લોકોના મોત થવાના જ છે. તેમણે આને એક સંભવિત પરિસ્થિતિ તરીકે દર્શાવી છે.
ગેટ્સે AI કંપનીઓની સ્વયં-નિયમન (સેલ્ફ-રેગ્યુલેશન) વ્યવસ્થાને પૂરતી નથી માની અને સરકાર પાસે કાયદો બનાવવાની જરૂરિયાત દર્શાવી છે. તેમના મતે, અદ્યતન AI સાધનો અને ખરાબ દાનત ધરાવતા લોકોનું સંયોજન અત્યંત ખતરનાક બની શકે છે.