નવી દિલ્હી: 2002ના ગુજરાત કલ્પેજ કેસમાં સામૂહિક બળાત્કારની શિકાર બનેલી બિલકિસ બાનોના જીવનમાં ફરી એકવાર ભયનું વાતાવરણ પાછું આવ્યું છે. સુપ્રીમ કોર્ટે 28 ઓક્ટોબરે 11 દોષિતોમાંથી બિપિનચંદ્ર જોશી અને પ્રદીપ મોદિયાની આજીવન કેદની સજા સ્થગિત કરીને તેમને જામીન આપ્યા છે. આ સમાચાર 16 નવેમ્બરે સામે આવ્યા બાદ બિલકિસ અને તેમના પરિવારમાં ભારે ચિંતા અને ડરનો માહોલ છે.
બિલકિસના પતિ યાકૂબે આ સમાચાર સાંભળીને કહ્યું, 'શું આ લોકો અમને જીવવા નહીં દે? 17 વર્ષ સુધી અમે છુપાતા રહ્યા, 20થી વધુ ઘર બદલ્યાં. ત્યારે આ 11 દોષિતોને આજીવન કેદની સજા મળી હતી. અમે થોડું સ્થિર થવાનું શરૂ કરીએ છીએ, અને આ લોકો કંઈક નવું કરી દે છે.'
બિલકિસના સંબંધી રજ્જાકે જણાવ્યું કે યાકૂબે આ સમાચાર પછી કહ્યું, 'શું આ લોકો આપણને જીવવા નહીં દે?' અને પછી તેઓ ચૂપ થઈ ગયા. જ્યારે રજ્જાકે પૂછ્યું કે બિલકિસને જાણ કરી છે કે નહીં, ત્યારે યાકૂબે કહ્યું, 'ના, હિંમત નથી થઈ રહી. તેનો ડર ફરી જીવંત કરી દઉં? તેને કહું કે ફરીથી આપણી આઝાદી છીનવાઈ ગઈ છે. ફરી લડવું પડશે. ડરીને રહેવું પડશે. જો તેને ખબર પડશે તો તે આઘાતમાં સરી પડશે.'
ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 2022ના રોજ આ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનું ગામમાં માળાઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પણ બિલકિસ આઘાતમાં સરી પડી હતી. રજ્જાકે કહ્યું, 'અમારી આંખ સામે આ લોકો ગળામાં હાર પહેરીને ઊભા હતા. તેમનું સ્વાગત એવી રીતે થઈ રહ્યું હતું જાણે તેઓ આઝાદીની લડાઈ જીતીને આવ્યા હોય. આ વખતે ઉજવણી કરવામાં આવી નહીં, બધું ગુપ્ત રીતે થયું.'
બિલકિસનું ગામ ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલું રંધિકપુર છે. તેમના પર બળાત્કાર કરનારા 11માંથી 10 દોષિતો 2-3 કિલોમીટરના વિસ્તારમાં જ રહેતા હતા. પ્રદીપ મોદિયા બિલકિસના ઘરથી માત્ર 200 મીટર દૂર રહેતો હતો, જ્યારે રાધેશ્યામ લગભગ 300 મીટર દૂર. મિતેશ ભટ્ટ અને શૈલેશ ભટ્ટનાં ઘર પણ આટલા જ અંતરે હતાં. ફક્ત બિપિનચંદ્ર વડોદરામાં રહેતો હતો.
બિલકિસનાં વકીલ શોભા ગુપ્તાએ આ નિર્ણય પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'શું આ મજાક ચાલી રહી છે? મેં પહેલી વાર કેસ લડવાનું શરૂ કર્યું ત્યારે મારી કારકિર્દીને 7 વર્ષ થયાં હતાં, હવે 32 વર્ષ થયાં છે. 25 વર્ષથી આ કેસનું ભૂત પીછો છોડતું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 17 વર્ષ સુધી બિલકિસ ભટકતી અને બેઘર લોકોની જેમ ભાગતી-છુપાતી રહી. એ જ કોર્ટ દોષિતોને દયા અરજી પર છોડી દે છે.'
આ આદેશ સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું જેલમાં સારવારની વ્યવસ્થા નથી? શું આ પીડિતા સાથે મજાક નથી? આશ્ચર્યની વાત એ છે કે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા. આસારામ બાપુને જામીન મળે તો તેમાં પણ સજા સ્થગિત કરવામાં આવતી નથી. શું આ લોકો જાહેર સેવકો હતા? શું તેમણે ચૂંટણી લડવાની હતી, જેના કારણે સજા સ્થગિત કરવી જરૂરી હતી? અત્યંત દુર્લભ કેસોમાં જ સજા સ્થગિત સાથે જામીન મળે છે.
આ ઉપરાંત, આદેશમાં લખ્યું છે કે આરોપી શારીરિક રીતે અક્ષમ છે. શું તે ઘટના સમયે પણ શારીરિક રીતે અક્ષમ હતો? કેસમાં આ વાત ક્યાંય લખેલી નથી. બિલકિસ આ કેસમાં પક્ષકાર છે, તેમ છતાં ઓગસ્ટ 2022માં જ્યારે આ લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે પણ બિલકિસને કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. આ વખતે પણ બિલકિસને પક્ષકાર બનાવવામાં આવી નથી, જે કાયદા મુજબ જરૂરી છે.
કોર્ટે આરોપીઓ દ્વારા મોડી કરવામાં આવેલી અપીલને એ કારણસર યોગ્ય ઠેરવી કે તેઓ કસ્ટડીમાં હતા. અગાઉની મુક્તિ બાદ આ લોકો મહિનાઓ સુધી બહાર રહ્યા હતા. જેલમાં રહેતા હોવા છતાં પણ 3-4 વર્ષ સુધી પેરોલ અને ફર્લો પર બહાર રહ્યા હતા. આદેશમાં દલીલ કરવામાં આવી છે કે આ લોકો કસ્ટડીમાં હતા, તેથી સારવાર માટે અપીલ કરી શક્યા નહોતા. બિપિન અને પ્રદીપે બોમ્બે હાઈકોર્ટના 2017ના સજા યથાવત્ રાખવાના નિર્ણયને પડકાર્યો હતો. સજા દરમિયાન પ્રદીપ મોદિયા 3 વર્ષ 4 મહિના 19 દિવસ સુધી બહાર રહ્યો હતો.