સત્ય. સાહસ. સંકલ્પ.

બિલ્કીસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે બે દોષિતોને જામીન આપ્યા, આજીવન કેદની સજા પર રોક

બિલ્કીસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે બે દોષિતોને જામીન આપ્યા, આજીવન કેદની સજા પર રોક

નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતના બિલ્કીસ બાનો કેસમાં દોષિત ઠેરવાયેલા બે વ્યક્તિઓને આજીવન કેદની સજા પર રોક લગાવીને જામીન આપ્યા છે. કોર્ટે 28 ઓક્ટોબરના આદેશમાં જણાવ્યું કે બંને દોષિતો 17 વર્ષથી વધુ સમય જેલમાં રહી ચૂક્યા છે અને તેમની અપીલમાં તથ્યો તથા કાયદા સાથે જોડાયેલા એવા મુદ્દાઓ છે જેના પર વિચાર કરવો જરૂરી છે.

જામીન મેળવનારાઓમાં બિપિનચંદ જોશી અને પ્રદીપ મોઢિયાનો સમાવેશ થાય છે. બિપિનચંદ જોશી ગંભીર રીતે દિવ્યાંગ છે, અને કોર્ટે જામીન આપતી વખતે આ બાબતને પણ ધ્યાનમાં લીધી હતી.

બિપિનચંદ જોશી અને પ્રદીપ મોઢિયાએ બોમ્બે હાઈકોર્ટના મે 2017ના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે બંનેના આરોપ અને આજીવન કેદની સજા યથાવત રાખી હતી. હવે સુપ્રીમ કોર્ટે તેમની અપીલ પર સુનાવણી ચાલુ રાખતા જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે જામીન આપતી વખતે એ વાતને પણ ધ્યાનમાં લીધી કે બંને 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. કોર્ટે કહ્યું કે બંનેની અપીલમાં તથ્યો અને કાયદા સાથે જોડાયેલા મુદ્દાઓ છે, જેના પર આગળ વિચાર કરવાનો છે. જામીન આપનાર ખંડપીઠે જોશીની ગંભીર દિવ્યાંગતાને પણ ધ્યાનમાં લીધી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ 11 દોષિતોને આપેલા સમય પહેલાંની મુક્તિ (રેમિશન)ના આદેશને સંપૂર્ણપણે રદ કરી દીધો હતો અને તમામ 11 દોષિતોને પાછા જેલમાં જવાનો આદેશ આપ્યો હતો.

દોષિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કોર્ટને જણાવ્યું કે બંને 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. તેમણે એવી પણ દલીલ કરી કે એક આરોપીનું નામ FIRમાં નોંધાયેલું નહોતું અને ઘટનાના લગભગ ત્રણ વર્ષ બાદ તેને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. વકીલે બીજા દોષિતની ગંભીર દિવ્યાંગતાનો પણ ઉલ્લેખ કર્યો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બંને દોષિતોને સંબંધિત ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવનારી શરતોના આધારે જામીન આપવામાં આવશે. કેસમાં તેમની અપીલ પર સુનાવણી નિર્ધારિત પ્રક્રિયા મુજબ આગળ વધશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અપીલમાં ઉઠાવવામાં આવેલા તથ્યો અને કાનૂની મુદ્દાઓ પર હજુ નિર્ણય થવાનો બાકી છે.

બિલ્કીસ બાનો કેસ ગુજરાત રમખાણો સાથે સંકળાયેલો છે. 21 વર્ષીય બિલ્કીસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે 2002માં તેની પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 3 માર્ચ 2002ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકાપુર ગામમાં રોષે ભરાયેલું ટોળું બિલ્કીસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલ્કીસ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ હતી. ત્યારે બિલ્કીસ 21 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી. બિલ્કીસ પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને અન્ય ત્રણ મહિલાઓ પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

આ હુમલામાં તેના પરિવારના 17માંથી 7 સભ્યો માર્યા ગયા હતા. 6 લોકો ગુમ થયા હતા, જે ક્યારેય મળ્યા નહોતા. આ હુમલામાં માત્ર બિલ્કીસ, એક પુરુષ અને ત્રણ વર્ષનો બાળક બચી ગયાં હતાં.