સત્ય. સાહસ. સંકલ્પ.

બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે બે દોષિતોની આજીવન કેદ મોકૂફ રાખી, જામીન મંજૂર

બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે બે દોષિતોની આજીવન કેદ મોકૂફ રાખી, જામીન મંજૂર

બિલ્કિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે બે દોષિતોની આજીવન કેદની સજા મોકૂફ રાખીને તેમને જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની ખંડપીઠે આ આદેશ આપતાં નોંધ્યું કે બંને દોષિતો 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે અને તેમાંથી એક ગંભીર રીતે દિવ્યાંગ છે.

દોષિતો વતી વકીલ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે બંને દોષિતો 17 વર્ષથી વધુ સમય જેલમાં રહી ચૂક્યા છે. આ ઉપરાંત, એક દોષિતનું નામ મૂળ એફઆઈઆરમાં ન હતું અને ઘટનાના આશરે ત્રણ વર્ષ પછી તેને આરોપી બનાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બોમ્બે હાઈકોર્ટના 2017ના ચુકાદા સામે કરાયેલી અપીલમાં તથ્યો અને કાયદા સાથે જોડાયેલા મુદ્દાઓ છે જેના પર વિચારણા કરવી જરૂરી છે.

બીજી તરફ, વધારાના સોલિસિટર જનરલ રાજા ઠાકરેએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ બંનેએ તમામ પુરાવાઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે લાંબા જેલવાસ અને અપીલ પેન્ડિંગ હોવાના કારણે સજા મોકૂફ રાખી સંબંધિત ટ્રાયલ કોર્ટને જામીનની શરતો નક્કી કરવા નિર્દેશ આપ્યો છે.

નોંધનીય છે કે, ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે આ કેસના તમામ 11 દોષિતોને સમય પહેલાં જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતાં, સર્વોચ્ચ અદાલતે 8 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત સરકારના સરન્ડર આદેશને રદ કરીને તમામ દોષિતોને ફરીથી જેલમાં જવાનો હુકમ કર્યો હતો. હવે આ 11 પૈકીના બે દોષિતોને અપીલ પેન્ડિંગ રહેવા દરમિયાન સર્વોચ્ચ અદાલત તરફથી જામીન મળ્યા છે.