નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ITIની સામે આવેલી પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. દુકાનના પાછળના ભાગમાં રાખવામાં આવેલા માલસામાનમાં આગ લાગતાં જ તેણે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ બીલીમોરા અને ગણદેવી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
ફાયર વિભાગની બંને ટીમોએ આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે, આ દુર્ઘટનામાં દુકાનમાં રાખેલો અંદાજે 8થી 10 લાખ રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક માહિતી મુજબ ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ જરૂરી છે. દુકાનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી અને આસપાસની અન્ય દુકાનોને સંભવિત નુકસાનથી બચાવી લેવામાં આવી હતી.
આગની ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.