સત્ય. સાહસ. સંકલ્પ.

સગીર છોકરીઓને ઓનલાઈન ફસાવી બ્લેકમેલ કરનાર ભારતીય વિદ્યાર્થીને UKમાં 30 વર્ષની જેલ

સગીર છોકરીઓને ઓનલાઈન ફસાવી બ્લેકમેલ કરનાર ભારતીય વિદ્યાર્થીને UKમાં 30 વર્ષની જેલ

યુનાઇટેડ કિંગડમમાં રહેતા મુંબઈના 27 વર્ષીય ભારતીય વિદ્યાર્થી બિલાલ કાઝીને સગીર છોકરીઓને ઓનલાઈન ફસાવી, તેમની પાસેથી અશ્લીલ ફોટા અને વીડિયો મંગાવીને બ્લેકમેલ કરવા બદલ 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે પેરોલ માટે પાત્ર બનતા પહેલા તેણે ઓછામાં ઓછા 20 વર્ષ જેલમાં વિતાવવા પડશે.

બિલાલ કાઝી મૂળ મુંબઈનો રહેવાસી છે. તે ચેસ્ટરમાં PhDનો અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ બર્મિંગહામ યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવા ગયો હતો.

કોર્ટમાં જાણવા મળ્યા મુજબ, ઓગસ્ટ 2021થી ઓગસ્ટ 2025 દરમિયાન કાઝીએ 'રીસ' (Reece) નામના એક શ્વેત બ્રિટિશ કિશોરની નકલી ઓળખ બનાવી હતી. આ નકલી ઓળખનો ઉપયોગ કરીને તેણે Snapchat, Roblox, Wink અને Wizz જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10થી 17 વર્ષની 70થી વધુ છોકરીઓ સાથે સંપર્ક કર્યો હતો.

છોકરીઓનો વિશ્વાસ જીત્યા બાદ તે તેમના અંગત ફોટા અને વિડિયો મેળવી લેતો હતો. જ્યારે પીડિતાઓ ના પાડતી ત્યારે તે આ ફોટા તેમના મિત્રો અને પરિવારજનોને મોકલવાની ધમકી આપતો હતો. ઘણા કિસ્સાઓમાં તેણે પીડિતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને અશ્લીલ સામગ્રી વાયરલ પણ કરી હતી.

નવેમ્બર 2021માં એક પીડિતાએ ડર્બીશાયર પોલીસને જાણ કરી કે તેનું Snapchat એકાઉન્ટ હેક કરીને તેના અંગત ફોટા તેના મિત્રોને મોકલવામાં આવ્યા છે. આ ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. UKના 45માંથી 28 પોલીસ દળોની સંયુક્ત તપાસ બાદ જુલાઈ 2023માં હીથ્રો એરપોર્ટ પર પરત ફરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે પીડિતાઓની સંખ્યા 180 સુધી હોઈ શકે છે.

સજા સંભળાવતા જજ સ્ટીફન એવરેટે કાઝીને 'અત્યંત ખતરનાક વ્યક્તિ' ગણાવી હતી. તેમણે કહ્યું કે તેણે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને પોતાના ઘરમાં સુરક્ષિત માનતા બાળકોની સુરક્ષા અને માનસિક શાંતિ છીનવી લીધી છે.