બિહારના સિવાન જિલ્લામાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં પતિ-પત્ની અને તેમની પુત્રી સહિત 7 લોકોના મોત થયા છે. આ ઘટના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના અલમાપુર ગામમાં બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અલમાપુર ગામના એક મકાનમાં ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વિસ્ફોટોની શ્રૃંખલા શરૂ થઈ ગઈ. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આખું મકાન ઊડી ગયું અને લોકોના મૃતદેહ રસ્તા પર વિખરાઈ ગયા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લગભગ દોઢ કલાક સુધી અટકી-અટકીને વિસ્ફોટો થતા રહ્યા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) અને પોલીસ અધિક્ષક (એસપી) ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસડીપીઓએ જણાવ્યું કે ફાયર બ્રિગેડની ગાડીઓની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.
એસપી ભારત સોનીએ જણાવ્યું કે હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. તેમણે કહ્યું કે 20 વર્ષ પહેલાં ફટાકડા બનાવવાનું લાઇસન્સ લેવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તે લાઇસન્સ માન્ય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. જે મકાનમાં ફટાકડા બનાવવામાં આવતા હતા તે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે અને વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ફટાકડા બનાવવાના ધંધામાં સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ તપાસ થશે.