બિહારના જમુઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોચિંગ ક્લાસ પૂરો કરીને ફરવા નીકળેલા બે સગીર મિત્રોને ટોળાએ ઘેરી લીધા અને 'મોરલ પોલીસિંગ'ના નામે તેમની સાથે ગેરવર્તન કર્યું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે.
19 સપ્ટેમ્બરની સાંજે લગભગ 6:25 થી 7:00 વાગ્યા વચ્ચે જમુઈ-લખીસરાય રોડ પર આવેલા મડવા પહાડ વિસ્તારમાં આ ઘટના બની હતી. ધોરણ 10માં અભ્યાસ કરતા એક છોકરો અને એક છોકરી કોચિંગ પૂરું કરીને સ્કૂટર પર પાછા ફરી રહ્યા હતા. ત્યારે 6-7 શખ્સોએ તેમને રોકીને ઘેરી લીધા.
આરોપીઓએ છોકરીને ઊંચકી લીધી અને તેની સાથે અશ્લીલ હરકતો કરી. છોકરાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ તેને માર માર્યો. છોકરીએ ઘણી વિનંતી કરી કે 'અમે સાથે ભણીએ છીએ, આ મારો મિત્ર છે, અમને જવા દો', પરંતુ આરોપીઓએ દયા ન દાખવી. આ ઘટના લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી. આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
ઘટના બાદ પીડિત પરિવારે બદનામીના ડરથી બે દિવસ સુધી ફરિયાદ નહોતી કરી. પરંતુ 21 સપ્ટેમ્બરે વીડિયો વાયરલ થતાં જમુઈ પોલીસ સક્રિય થઈ. એસપી વિશ્વજીત દયાલના નેતૃત્વમાં વીડિયોમાં દેખાતા સ્કૂટરના નંબર પરથી પીડિતોને શોધી કાઢવામાં આવ્યા. મહિલા અધિકારી દીપ્તિ મોનાલીના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવામાં આવી. પોલીસે POCSO એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને 7 આરોપીઓની ધરપકડ કરી, જેમાં 3 સગીર છે.
મુખ્ય આરોપી નંદન યાદવ, જે વીડિયોમાં મોઢા પર કપડું બાંધીને છોકરીની છેડતી કરતો દેખાય છે, ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ એન્કાઉન્ટરમાં તેના પગમાં ગોળી વાગી છે. તેને સદર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બીજા આરોપી હરેરામ યાદવનો પગ તૂટ્યો હોવાની માહિતી છે. વધુમાં, સગીરોની ઓળખ છતી કરતો વીડિયો શેર કરવા બદલ પોલીસે 32થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આ હુમલો પહેલેથી પ્લાનિંગ કરીને કર્યો હતો. આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના પહેલી નથી. અગાઉ પણ આરોપીઓએ ઘણા છોકરા-છોકરીઓને હેરાન કર્યા હતા, પરંતુ ફરિયાદ ન થતાં તેઓ બચી જતા હતા.
આ ઘટનાએ બિહારના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહિલા સુરક્ષાના દાવાઓ પર સવાલ ઊભા થયા છે. પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.