સત્ય. સાહસ. સંકલ્પ.

બિહારમાં ગંગાએ 2016નો જળસ્તર રેકોર્ડ તોડ્યો, 13 જિલ્લામાં પૂર, મંત્રીઓ કેમ્પ કરશે

બિહારમાં ગંગાએ 2016નો જળસ્તર રેકોર્ડ તોડ્યો, 13 જિલ્લામાં પૂર, મંત્રીઓ કેમ્પ કરશે

બિહારમાં ગંગા સહિતની નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે 13 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સરકારે રાહત અને બચાવ કામગીરી માટે વ્યાપક આયોજન કર્યું છે. 13 પ્રભારી મંત્રીઓ અને સચિવોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગંગા સાથે સોણ, પુનપુન, સરયુ અને કોસી નદીઓમાં પણ ઘોડાપૂર આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. ઘરો, રસ્તાઓ અને સંપર્ક માર્ગો પાણીમાં ગરકાવ થતાં લોકોની મુશ્કેલી વધી છે.

સરકારી સૂચના મુજબ બક્સર, ભોજપુર, પટના, સારણ, વૈશાલી, બેગુસરાય, સમસ્તીપુર, લખીસરાય, ખગડિયા, મુંગેર, ભાગલપુર, કટિહાર અને અરવલ જિલ્લામાં મંત્રીઓ અને સચિવો કેમ્પ કરશે.

જળસંપત્તિ મંત્રી વિજય ચૌધરીએ જણાવ્યું કે ગંગાએ 2016માં નોંધાયેલ સૌથી ઊંચા જળસ્તરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પટનામાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને તટબંધો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

પૂર પીડિતો સુધી ખોરાક, સૂકું રાશન, પીવાનું પાણી, તબીબી સુવિધા, દવાઓ અને પશુઓ માટે ઘાસચારાનો નિઃશુલ્ક પુરવઠો પહોંચાડવા વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પ્રભારી મંત્રીઓ સ્થળ પર રહીને આ વ્યવસ્થાનું સીધું નિરીક્ષણ કરશે.