પટનામાં પૂર્વ રાજ્યસભા સાંસદ સ્વ. આર.કે. સિન્હાની શ્રદ્ધાંજલિ સભામાં બિહારના રાજકીય વાતાવરણમાં ચર્ચા જગાવતી ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને જન સુરાજના સૂત્રધાર પ્રશાંત કિશોર એક જ મંચ પર આવ્યા હતા. બંને નેતાઓએ હાથ મિલાવીને હસતાં મોઢે વાતચીત કરી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ શ્રદ્ધાંજલિ સભામાં રાજદ દળના નેતા લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય પણ સમ્રાટ ચૌધરી અને પ્રશાંત કિશોરની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. રોહિણી આચાર્ય અગાઉ આ બંને નેતાઓ પર સતત પ્રહારો કરતા રહ્યા છે. ત્રણેય વિરોધી નેતાઓની એકસાથે બેઠેલી તસવીરે નવા રાજકીય સમીકરણોની અટકળોને જન્મ આપ્યો છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરી અને ભાજપ નેતા ઋતુરાજ સિન્હા પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર અવારનવાર બિહાર સરકાર અને મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની નીતિઓ પર સવાલો ઉઠાવતા રહે છે, જ્યારે રાજદ દળ જન સુરાજને 'ભાજપની બી-ટીમ' ગણાવે છે. બીજી તરફ, આ મુલાકાતના એક દિવસ પહેલા જ શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ પ્રશાંત કિશોર પર પ્રહાર કરતા તેમને 'કોંગ્રેસની બી-ટીમ' ગણાવ્યા હતા. આવા રાજકીય નિવેદનો વચ્ચે આ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
શ્રદ્ધાંજલિ સભામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પણ પોતાની મોટી પુત્રી અને સાંસદ મીસા ભારતી તથા રોહિણી આચાર્ય સાથે પહોંચ્યા હતા. લાલુ યાદવે સ્વ. આર.કે. સિન્હાના તૈલચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમણે આર.કે. સિન્હાના પુત્ર ઋતુરાજ સિન્હા અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરીને દુઃખની આ ઘડીમાં સાંત્વના પાઠવી હતી.