સત્ય. સાહસ. સંકલ્પ.

બિહારના વૈશાલીમાં બોટ પલટી, 13 બાળકોના મોત; PM મોદીએ 2 લાખની સહાય જાહેર કરી

બિહારના વૈશાલીમાં બોટ પલટી, 13 બાળકોના મોત; PM મોદીએ 2 લાખની સહાય જાહેર કરી

બિહારના વૈશાલી જિલ્લામાં મંગળવારની રાત્રે એક દુઃખદ ઘટના સામે આવી છે. રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર શ્યામચંદ પંચાયતમાં બોટ પલટી જતાં 13 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો હોવાનું જણાવવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, રામપુર શ્યામચંદ પંચાયતના ભગતાન ટોલા વિસ્તારમાં માતા મહારાણી સ્થાન નજીક સિંઘેશ્વર રાયના ઘરે શ્રાદ્ધનું ભોજન ગોઠવાયું હતું. લગભગ 20થી 25 લોકો નાની હોડીમાં ભોજન માટે ઢાબાની બીજી બાજુ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઢાબાની વચ્ચે જ હોડી ડૂબી ગઈ.

બોટ પલટી જવાની જાણ થતાં જ સ્થાનિક લોકોનું ટોળું ઘટનાસ્થળે દોડી આવ્યું. રામપુર શ્યામચંદ પંચાયત અને આસપાસના ગામોના લોકોએ બચાવ કાર્યમાં મદદ કરી. લગભગ એક કલાકની મહેનત બાદ ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે રાઘોપુર ફતેહપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના અંગે વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, "વૈશાલી, બિહારમાં બોટ પલટી જવાની ઘટનામાં જાનહાનિ અત્યંત દુઃખદ છે. આ કઠિન સમયમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યું છે. મૃતકોના નજીકના સંબંધીઓને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."

આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય ચાલુ છે.