રિયાલિટી શો 'બિગ બોસ'ની 20મી સિઝન શરૂ થઈ છે. શોમાં સલમાન ખાને સ્પર્ધક રીતિ તિવારીને સ્ટેજ પર બોલાવી. રીતિ સાથે તેના પિતા મનોજ તિવારી પણ હાજર હતા. મનોજ તિવારી 2010માં 'બિગ બોસ'ની ચોથી સિઝનમાં સ્પર્ધક રહી ચૂક્યા છે, ત્યારે તેમણે ઘરમાં ઘણા ઝઘડા કર્યા હતા. તેથી સલમાને રીતિને ઇંડા અંગે ઝઘડો ન કરવા સૂચના આપી. તેમણે કહ્યું, 'એ બાપ પે મત જાના...'
મનોજ તિવારી દિગ્ગજ ભાજપ નેતા અને ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર છે. તમે સોશિયલ મીડિયા પર 'રિંકિયા કે પાપા'નું મીમ તો જોયું જ હશે. આ મીમ મનોજ તિવારીના 2003માં રિલીઝ થયેલા ભોજપુરી આલ્બમ 'ઉપરવાલી કે ચક્કર મેં'નું છે. ચૂંટણીમાં વિપક્ષ આ ગીતનો ઉપયોગ તેમની વિરુદ્ધ પ્રચારમાં કરે છે. ચાહકો આ ગીતની ડિમાન્ડ ચૂંટણીસભા કે જાહેર કાર્યક્રમોમાં અચૂક કરે છે.
'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે તિવારી પરિવારની વાત કરીશું. મનોજ તિવારીના પિતા શું કરતા? પિતાના અવસાન બાદ માતાએ છ સંતાનોને કેવી રીતે મોટા કર્યા? માતાએ 18 વર્ષ સુધી પગમાં ચંપલ કેમ ન પહેર્યા? મનોજ તિવારીએ લગ્નના 12 વર્ષ બાદ ડિવોર્સ કેમ લીધા? તેમની બીજી પત્ની કોણ છે? તેમની દીકરી રીતિ અને ધોની વચ્ચે શું કનેક્શન છે?
તિવારી પરિવાર મૂળ બિહારના કૈમુર જિલ્લાના અંતરિયાળ ગામ અતરૌલિયાનો છે, પરંતુ વર્ષોથી ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયા છે. પિતા ચંદ્રદેવ તિવારી અને માતા લલિતા દેવીને છ સંતાનો - ચાર દીકરા અને બે દીકરીઓ.
1લી ફેબ્રુઆરી, 1971માં વારાણસીમાં જન્મેલા મનોજ તિવારીના પિતા શાસ્ત્રીય ગાયક હતા. નાનપણમાં મનોજે પિતાને ગીત ગાતા સાંભળ્યા હતા. પિતા સાથેની વધુ યાદો નથી, પરંતુ એટલું યાદ છે કે પિતા પીઠ પર હાથ ફેરવતાં ગાતા અને તેમને ઊંઘ આવી જતી. નાના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. પરિવારમાં સાત સભ્યો હતા, પરંતુ કમાનાર કોઈ નહોતું. મનોજને પિતા હંમેશાં સંત જેવા લાગ્યા છે. વારાણસીમાં આજે પણ ચંદ્રદેવ તિવારીનું નામ સન્માનથી લેવામાં આવે છે.
પરિવારના મુખિયાના આકસ્મિક મોતથી ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું. લલિતા દેવીએ ઘરમાં ગાય-ભેંસો રાખીને પરિવારનું પૂરું કર્યું. તેઓ જાતે છાણા થાપતાં અને ગાય-ભેંસ દોહીને દૂધ ડેરીમાં આપવા જતાં. ઘરમાં સાયકલ આવે તેવી સ્થિતિ નહોતી, તેથી ચાર કિમી પગપાળા ચાલીને બસ પકડતાં અને ઘરનો સામાન લાવતાં. છએ સંતાનો ચાર કિમી ચાલીને સ્કૂલે જતાં. મનોજ તિવારીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન ફિઝિકલ એજ્યુકેશનની ડિગ્રી લીધી છે.
લલિતા દેવી એકવાર અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ)માં આયોજિત કુંભમેળામાં ગયાં હતાં. ત્યાં કિચડમાં તેમના નવા ચંપલ ફસાઈ ગયા. પ્રયાસો પછી પણ ચંપલ બહાર ન કાઢી શક્યા, તેથી કંટાળીને ત્યાં જ છોડી દીધા. આ ઘટના બાદ તેમણે સંકલ્પ લીધો કે જ્યારે તેમના ચારેય દીકરા જીવનમાં નામ કમાશે ત્યારે જ ચંપલ પહેરશે. તેમણે 18 વર્ષ ચંપલ પહેર્યા નહીં અને બધે ઉઘાડા પગે ફર્યા. મનોજ તિવારી માતાના આ ત્યાગને ક્યારેય ભૂલ્યા નથી.
મનોજ તિવારીએ હિંદી-ભોજપુરીમાં હજારથી વધુ ગીતો ગાયા છે. તેમણે પિતાનો સંગીત વારસો આગળ વધાર્યો. કોલેજમાં આવ્યા ત્યારે તેમણે ડ્રાઇવરની નોકરી કરી હતી. ત્રણ વર્ષ ડ્રાઇવર તરીકે કામ કરીને અભ્યાસ કર્યો. વર્ષો બાદ તેમણે પોતાના ડ્રાઇવર્સના નામ ભોજપુરી સિનેમાના સફળ સ્ટાર્સ રવિ કિશન, પવન સિંહ, નિરહુઆ પરથી ઇન્સ્પાયર્ડ રાખ્યા છે. મનોજ તિવારી સ્વીકારે છે કે સંગીત તેમના જીવનનું અભિન્ન અંગ છે.