કલર્સ અને જિયોહોટસ્ટાર પર પ્રસારિત થતા લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 20'માં નવો ટ્વિસ્ટ આવ્યો છે. શોના નિર્માતાઓએ શરૂઆતમાં જ એક મોટું પગલું ભર્યું છે, જેનાથી ઘરના સભ્યો ચોંકી ગયા છે. જાણીતા ટેલિવિઝન અભિનેતા મનીષ ગોયલ, જેઓ શરૂઆતમાં એક પ્રોજેક્ટના પ્રચાર માટે મહેમાન તરીકે આવ્યા હતા, તેઓ હવે સીઝનના પ્રથમ વાઈલ્ડકાર્ડ સ્પર્ધક તરીકે ઘરમાં પ્રવેશ્યા છે. હોસ્ટ સલમાન ખાને તેમના પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી, ત્યારે ઘરના સભ્યોના ચહેરા પર આશ્ચર્ય અને ચિંતાના ભાવ જોવા મળ્યા હતા.
આ સીઝનમાં યુવા ઈન્ફ્લુએન્સર્સ અને નવા કલાકારોનું વર્ચસ્વ છે, ત્યારે મનીષ ગોયલ કોણ છે અને તેમની કારકિર્દી કેવી રહી છે, તે જાણવું રસપ્રદ છે.
મનીષ ગોયલ ભારતીય ટેલિવિઝનના અનુભવી અભિનેતાઓમાંથી એક છે. તેઓ છેલ્લા 25-28 વર્ષથી આ ઉદ્યોગમાં સક્રિય છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, 'જ્યારે મેં મનીષ ગોયલ વિશે ગૂગલ પર સર્ચ કર્યું, ત્યારે જાણવા મળ્યું કે તેઓ 1996થી ટીવી પર કામ કરી રહ્યા છે. જ્યારે તેમણે અભિનય શરૂ કર્યો ત્યારે ઘરના કેટલાક સભ્યોનો જન્મ પણ થયો ન હતો.' કેટલાક દર્શકો માને છે કે તેઓ શાંત અને સમજદાર ખેલાડી છે, જે બિનજરૂરી ડ્રામા કે ઝઘડામાં પડ્યા વિના વ્યૂહાત્મક રીતે રમશે.
મનીષ ગોયલ 2000ના દાયકામાં લોકપ્રિય ટીવી સિરિયલ 'ભાભી'થી ઘરે-ઘરે જાણીતા બન્યા. તેમણે એકતા કપૂરની સુપરહિટ સિરિયલો 'કહાની ઘર ઘર કી' અને 'કસૌટી ઝિંદગી કી'માં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી. ત્યારબાદ તેમણે 'દેવી', 'ભાગ્યલક્ષ્મી', 'આયુષ્માન ભવ', 'તંત્ર' અને 'હમારી વાલી ગુડ ન્યૂઝ' જેવી ઘણી સિરિયલોમાં અભિનય કર્યો. તાજેતરના વર્ષોમાં, તેઓ ટોચના TRP ધરાવતા શો 'અનુપમા'માં રાઘવ સિંહના પાત્રમાં જોવા મળ્યા. ટેલિવિઝન ઉપરાંત, તેમણે 'હમ ફિર મિલે ના મિલે' (જેની વાર્તા તેમણે પોતે લખી હતી) અને 'હનાક' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
રિયાલિટી ટીવીમાં પણ મનીષ ગોયલ નવા નથી. તેમણે પત્ની અને અભિનેત્રી પૂનમ નરુલા સાથે 'નચ બલિયે સીઝન 1'માં ભાગ લીધો હતો, જ્યાં તેઓ ફર્સ્ટ રનર-અપ રહ્યા. તેમણે 'ઝરા નચકે દિખા', 'સે શવા શવા' અને 'ઉસ્તાદોં કા ઉસ્તાદ' જેવા શોમાં પણ ભાગ લીધો. 2013માં તેમણે સેલિબ્રિટી કૂકિંગ શો 'વેલકમ: બાઝી મહેમાન-નવાઝી કી' જીત્યો. તેમણે 'બિગ મેમસાબ'નું હોસ્ટિંગ પણ કર્યું છે.
હવે જ્યારે મનીષ ગોયલ 'બિગ બોસ 20'ના ઘરમાં પ્રવેશ્યા છે, ત્યારે તેમની આ નવી સફર કેવી રહેશે તે જોવું રસપ્રદ છે. શું તેઓ પોતાના અનુભવ અને પરિપક્વતાનો ઉપયોગ કરીને યુવા સ્પર્ધકોને ટક્કર આપશે, કે ઘરનું ડ્રામા તેમના શાંત સ્વભાવની કસોટી કરશે? આ આગામી એપિસોડમાં સ્પષ્ટ થશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે બીજા વાઈલ્ડકાર્ડ સ્પર્ધક વિશે પણ ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ તે નકુલ ઢૂલ હોઈ શકે છે, પરંતુ આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.