ચાર વર્ષ બાદ ભારતીય T20 ટીમમાં પરત ફરેલા અનુભવી સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારની શરૂઆત નિરાશાજનક રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની સિરીઝના પ્રથમ બે મુકાબલામાં તેમણે કુલ 8 ઓવરમાં 99 રન આપ્યા છે અને એક જ વિકેટ ઝડપી છે.
પ્રથમ મેચમાં તેમણે 49 રન આપ્યા બાદ બીજી મેચમાં 50 રન આપ્યા. બીજી મેચમાં અર્શદીપ સિંહે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રિન્સ યાદવે 30 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. યુવા બોલરોની તુલનામાં અનુભવી ભુવનેશ્વર લાઇન અને લેન્થ પર નિયંત્રણ ગુમાવતા જોવા મળ્યા હતા.
ભુવનેશ્વરની ઓળખ નવા બોલથી બંને તરફ સ્વિંગ ફેરવવા અને ડેથ ઓવરમાં સચોટ યોર્કર ફેંકવામાં રહી છે. પરંતુ આ બંને મેચોમાં કિવી બેટરોએ તેમના બોલ પર આક્રમક શોટ ફટકાર્યા. પ્રથમ મેચમાં ટિમ સીફર્ટે તેમની એક જ ઓવરમાં 17 રન ફટકાર્યા હતા, જ્યારે ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં પણ તેમણે 14 રન આપ્યા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) એક વીડિયોમાં ભુવનેશ્વરે તેમના સંઘર્ષ વિશે જણાવ્યું હતું કે, "4 વર્ષ સુધી ટીમથી બહાર રહેવા દરમિયાન મેં ક્યારેય ભારતીય ટીમમાં વાપસી કરવાની જીદ કે અપેક્ષા રાખી નહોતી. હું કોઈ પણ આશા વગર માત્ર વર્તમાનમાં જીવવાનું શીખ્યો છું. મારા પરિવારે પણ ક્યારેય ઘરમાં વાપસી અંગે વાત કરી નહોતી."
ભારત સિરીઝમાં 2-0થી આગળ છે, પરંતુ ભુવનેશ્વરની બોલિંગ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે લય મેળવવામાં સમય લાગે તે સ્વાભાવિક છે. જોકે ટીમમાં સ્થાન ટકાવવું હોય તો 27 ઓક્ટોબરે યોજાનારી ત્રીજી T20 મેચમાં તેમને રન રોકવાની સાથે વિકેટ પણ લેવી પડશે.