ભારતના પાડોશી દેશ ભૂતાનના ગાસા જિલ્લામાં શિંતાફૂ ગ્લેશિયર ફાટ્યું છે. ગ્લેશિયર સરોવર ફાટવાની આ ઘટનાને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) કહેવામાં આવે છે. શિંતાફૂ સરોવરમાંથી નીકળેલું પાણી મોફુર નદી થઈને સંકોશ નદી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર, આસામના ધુબરી અને ઉત્તર બંગાળના અન્ય વિસ્તારોમાં પૂરની એડવાઈઝરી તથા હાઈ એલર્ટ જારી કર્યું છે. દાર્જિલિંગના પહાડી વિસ્તારો અને જલપાઈગુડીમાં પણ સતર્કતા વધારવામાં આવી છે.
ભૂતાનના લુંગો વિસ્તારમાં વાકિલા પર્વત નીચે આવેલા શિંતાફૂ સરોવરમાંથી પાણીનો ભારે પ્રવાહ છૂટ્યો તે પછી નદી કિનારે રહેતા લોકોને ચેતવવા માટે આખી રાત સાયરન વગાડવામાં આવ્યા હતા.
પરિસ્થિતિની ગંભીરતા જોતાં એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમોને પશ્ચિમ બંગાળના તુફાનગંજ અને બોક્સીરહાટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના વન મંત્રી મનોજ કુમાર ઉરાંવે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ આપીને સંકોશ નદીના કિનારે રહેતા લોકોને તાત્કાલિક ઘર ખાલી કરીને સુરક્ષિત, ઊંચાણવાળા સ્થળોએ પહોંચી જવા અપીલ કરી છે.
ભારત સરકારની સત્તાવાર એડવાઈઝરી મુજબ, પુનાત્સાંગછૂ નદી (જે ભારતમાં પ્રવેશતાં સંકોશ નદી તરીકે ઓળખાય છે)ના ઉપરી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું છે. તેના કારણે ભારતીય સીમા સુધી પાણી પહોંચવામાં છથી આઠ કલાક લાગી શકે છે.
નોંધનીય છે કે શિંતાફૂ સરોવર ભૂતાનના 17 અત્યંત જોખમી ગ્લેશિયર સરોવરોમાંનું એક ગણાય છે. હિમાલયમાં બરફ પીગળવાથી બનેલા આ સરોવરમાં પાણીનું દબાણ વધતાં તેની કુદરતી બંધ તૂટી જવાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.