ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ના વિરોધમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રશાંત ભૂષણના સરકાર બદલવાના નિવેદન પર ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે યુવાનોને આંદોલનના નામે ભડકાવીને અરાજકતા તરફ ધકેલવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રશાંત ભૂષણનો એજન્ડા હંમેશા રેજીમ ચેન્જ એટલે કે શાસન પરિવર્તનનો રહ્યો છે. તેમના મતે, જે લોકો દેશના યુવાનોને ભડકાવી રહ્યા છે, તેમનો અસલી ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. આવા લોકો ન તો દેશના વિકાસમાં રસ ધરાવે છે અને ન તો યુવાનોના ભવિષ્યની તેમને પરવા છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે લોકો ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી રાજનીતિ પર ભરોસો કરી રહ્યા છે. તેમણે ફેક આંદોલનકારી ટોળી પર યુવાનોને ભટકાવવાનો અને અરાજકતાની આગમાં ફેંકવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રશાંત ભૂષણે તેમના નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, “હા, હમ લોગ ચાહતે હૈ રેજીમ ચેન્જ હો. હમ સબ ચાહતે હૈ રેજીમ ચેન્જ હો. ક્યા ઉસમે ગલતી હૈ? યે મેં આજ ખુલે તોર પર કહે રહા હું, યહાં યે રેજીમ ચેન્જ કી લડાઈ હૈ.” આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો વધ્યો છે અને ભાજપે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે.