દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ગુર્જર મહાસભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્ય સરકારોના મંત્રીઓ તેમજ દેશભરમાંથી પાટીદાર, કુર્મી અને ગુર્જર સમાજના અનેક દિગ્ગજ નેતાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સંમેલન દેશની એકતા, રાષ્ટ્રસેવા અને સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું છે. તેમણે સરદાર સાહેબના ભારત નિર્માણમાં યોગદાનને યાદ કરતા કહ્યું કે, સરદાર સાહેબે ખેડૂતોની પીડા સમજીને કિસાનોની શક્તિને એક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને આગળ વધાર્યો છે અને સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વની વિશ્વભરમાં ઓળખ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં ગુર્જર સમાજની મહત્વની ભૂમિકા રહી છે અને આ સમાજ આધુનિક ભારતની ખેતી પદ્ધતિને આગળ વધારી રહ્યો છે. 2047ના 'વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવામાં ગુર્જર, પાટીદાર અને કુર્મી સમાજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
આ દરમિયાન મુખ્યમંત્રીએ નામ લીધા વગર વિપક્ષ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનોનો ઉલ્લેખ કરતા તેમણે ભાષાનો વિવેક ચૂકનારા નેતાઓની આકરી ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેને લઈને રાજકીય બબાલ મચી ગઈ છે. આ મામલે ખડગે વિરુદ્ધ પટનામાં ફરિયાદ પણ નોંધાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં ખડગે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
વાસ્તવમાં, કોંગ્રેસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા ખડગે ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન શ્રોતાઓમાં હાજર એક વ્યક્તિએ કથિત રીતે વચ્ચે હસ્તક્ષેપ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી ક્યાંય નથી જવાના. આના પર ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું, જેના કારણે રાજકીય વિવાદ ઊભો થયો છે.