ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચની સ્વાયત્તતા અને મતદાર યાદીની SIR પ્રક્રિયા અંગે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે કૉંગ્રેસના 'બતાવવાના અને ચાવવાના દાંત હંમેશા અલગ રહ્યા છે.'
મુખ્યમંત્રીએ વિપક્ષને મનોમંથન કરવાની સલાહ આપતાં પૂછ્યું કે તેઓ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 40 વર્ષથી સત્તાથી દૂર કેમ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટે ફોર્મ-6ની પ્રક્રિયાને કાયદેસર અને યોગ્ય ઠેરવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ એક અવાજે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચના તમામ નીતિવિષયક નિર્ણયો સર્વાનુમતે લેવાયા છે, એમ તેમણે જણાવ્યું.
અંતમાં મુખ્યમંત્રીએ ભાવપૂર્વક કહ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ મિત્ર તરીકે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા ખાતર વિપક્ષ ચૂંટણી પંચ જેવી પ્રતિષ્ઠિત અને સ્વાયત્ત સંસ્થાઓ સામે આંગળી ચીંધી રહ્યા છે, એમ તેમણે આરોપ લગાવ્યો.