ભુજમાં 71 વર્ષીય વૃદ્ધ રશ્મિભાઈ કનકભાઈ શાહની હત્યાના કેસમાં ભુજ કોર્ટે આરોપી વેપારી નિલેશ હસમુખલાલ શાહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો છે. આરોપીએ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઈને ગુનો કબૂલ્યો હતો, તેમજ મૃતકના ઘરના સીસીટીવીના DVR અને પોતાના લોહીયાળ કપડાં સહિતના પુરાવાનો નાશ કર્યો હતો. છતાં, ભારતીય પુરાવા અધિનિયમની કલમ 25-26 મુજબ પોલીસ સમક્ષની કબૂલાત પુરાવા તરીકે ગ્રાહ્ય ન ગણાતાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી દીધો.
ઘટનાની વિગત મુજબ, ભુજના વાણિયાવાડની પાંજરાપોળ શેરીમાં રહેતા રશ્મિભાઈ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીને રાહત દરે ગરીબ પરિવારોને રાશન કિટનું વિતરણ કરતા હતા. આ માટે તેઓ ભુજના પ્રમુખસ્વામીનગર રહેવાસી નિલેશ શાહની દુકાનેથી રાશન ખરીદતા હતા. છેલ્લા ઘણા સમયથી દુકાનદારને રાશન ખરીદીની મોટી રકમ લેવાની બાકી હોવાથી 8 એપ્રિલ, 2026ના રોજ નિલેશ શાહ રશ્મિભાઈના ઘરે પહોંચ્યા હતા.
ત્યાં નાણાં બાબતે ઉગ્ર બોલાચાલી થતાં વેપારી નિલેશે વૃદ્ધને માથામાં મેટલની પાણીની બોટલ અને દસ્તાથી ફટકાર્યા હતા. ઘટના બાદ આરોપીએ પુરાવાનો નાશ કરીને ભુજ એ ડિવિઝનમાં આત્મસમર્પણ કર્યું હતું. જોકે, ધરપકડ બાદ આરોપીએ ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો હતો. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલે પોલીસે ફરિયાદી સહિત 11 સાક્ષી અને એફએસએલ રિપોર્ટ સહિતના 48 દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે, પોસ્ટમોર્ટમ નોટના આધારે કોર્ટે જણાવ્યું કે મૃતકનું મોત સાપરાધ મનુષ્ય વધ પ્રકારનું હતું, પરંતુ તે મોત આરોપીએ જ નીપજાવ્યું તે સાબિત થઈ શક્યું નહીં. આ ઉપરાંત, કોર્ટના ટ્રાયલ દરમિયાન 8 સાક્ષીઓ હોસ્ટાઇલ થયા હતા. પોલીસની ખામીયુક્ત તપાસ અને પુરાવાના અભાવે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો.