ભોપાલના ઈન્ટર સ્ટેટ બસ ટર્મિનલ (ISBT) પરિસરમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. પાર્કિંગમાં ઊભેલી એક બસમાં આગ લાગતાં જોતજોતામાં તે નજીકની અન્ય બસોમાં પ્રસરી ગઈ અને એક ટ્રાવેલ્સની સાત બસો બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સદનસીબે, ઘટના સમયે બસો ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટનાને પગલે અમદાવાદ, સુરત સહિત દક્ષિણ ભારત જતી અનેક મહત્વની બસ ટ્રિપ્સ રદ કરવામાં આવી છે. આગની ઝપેટમાં આવેલી બસો નાગપુર, અમદાવાદ, સુરત, બાલાઘાટ, સિવની અને ઈન્દોર જેવા મુખ્ય રૂટ પર દોડતી હતી. બસો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જતાં મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
એસીપી અદિતિ સક્સેનાએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ અને નગર નિગમની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધારાના ફાયર ટેન્ડરો પણ મોકલવામાં આવ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની સંપૂર્ણ વિગત સામે આવી નથી અને પોલીસે તપાસ શરૂ કરી છે.