સત્ય. સાહસ. સંકલ્પ.

OTP વગર FDમાંથી 5.99 લાખ ગાયબ: ભોપાલમાં વૃદ્ધ સાથે સાયબર ફ્રોડ

OTP વગર FDમાંથી 5.99 લાખ ગાયબ: ભોપાલમાં વૃદ્ધ સાથે સાયબર ફ્રોડ

ભોપાલ: સાયબર છેતરપિંડીના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે, અને હવે ઠગોએ લોકોની સાવચેતીનો લાભ લઈને ફિક્સ ડિપોઝિટ (FD) ને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં એક 61 વર્ષીય વ્યક્તિની FD માંથી આશરે 6 લાખ રૂપિયા ગાયબ થયા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે પીડિતાને ન તો કોઈ OTP મળ્યો, ન તો તેણે પોતાનો PIN કે CVC નંબર કોઈની સાથે શેર કર્યો હતો.

પોલીસ સૂત્રો અનુસાર, શરીફ અહેમદ કુરેશી, જેઓ અફકાર કોલોનીમાં રહે છે, તેઓનું ICICI બેંકની અશોકા ગાર્ડન શાખામાં બચત ખાતું છે. 4 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:00 થી 12:30 દરમિયાન, તેમની FD માંથી નેટ બેન્કિંગ દ્વારા ત્રણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા, જેમાં કુલ 5,99,009.62 રૂપિયા ટ્રાન્સફર કરાયા. આ ટ્રાન્ઝેક્શન અંગે શરીફ અહેમદને કોઈ મેસેજ કે OTP મળ્યો નહોતો. ઘટનાની જાણ થતાં જ તેમણે નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલની ઈ-ઝીરો FIR ના આધારે ઐશબાગ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

સવાલ એ ઊભો થાય છે કે FD માટે અલગ નેટ બેન્કિંગ ન હોવા છતાં આ ફ્રોડ કેવી રીતે થયો? નિષ્ણાતોના મતે, FD સામાન્ય રીતે બચત ખાતા સાથે જોડાયેલી હોય છે. જો ગ્રાહકે મોબાઈલ બેન્કિંગ એપ દ્વારા FD બનાવી હોય, તો તેને એ જ એપ મારફતે તોડી શકાય છે. સાયબર સ્કેમર્સ આનો ગેરલાભ ઉઠાવે છે. તેઓ ગ્રાહકને રિફંડ કે કેશબેકની લાલચ આપીને સ્ક્રીન-શેરિંગ અથવા રિમોટ એક્સેસ આપતી એપ ડાઉનલોડ કરવા માટે પ્રેરે છે. એકવાર એપ ડાઉનલોડ થઈને સ્ક્રીન શેરિંગ શરૂ થાય, એટલે ઠગ ગ્રાહકની બેન્કિંગ એપના પિન અને વિગતો જોઈને FD તોડી નાણાં ટ્રાન્સફર કરી લે છે.

સાયબર છેતરપિંડીથી બચવા માટે, અજાણી વ્યક્તિના કહેવાથી મોબાઈલમાં સ્ક્રીન-શેરિંગ એપ ડાઉનલોડ ન કરવી. બેંકની સત્તાવાર વેબસાઈટ કે એપનો જ ઉપયોગ કરવો અને ફોન પર પિન કે પાસવર્ડ દાખલ ન કરવો. જો કોઈ છેતરપિંડી થાય, તો તાત્કાલિક હેલ્પલાઈન 1930 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવવી.