સત્ય. સાહસ. સંકલ્પ.

ભીલડીમાં 325 કરોડના ખર્ચે BBBRC સેન્ટર: 30 ઓક્ટોબરે પીએમ મોદી કરશે લોકાર્પણ

ભીલડીમાં 325 કરોડના ખર્ચે BBBRC સેન્ટર: 30 ઓક્ટોબરે પીએમ મોદી કરશે લોકાર્પણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે 127 એકર જમીનમાં ₹325 કરોડના ખર્ચે અત્યાધુનિક ભારત બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ (BBBRC) સેન્ટર તૈયાર થયું છે. આગામી 30 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ સાથે તેઓ બનાસ ડેરીના પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

બનાસ ડેરી દ્વારા પશુપાલકોને માત્ર દૂધ ઉત્પાદન અને વેચાણ પૂરતા મર્યાદિત ન રાખતાં, ઉત્તમ નસ્લનાં પશુઓ તૈયાર કરતા બ્રીડર બનાવવાના હેતુથી ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ની સ્થાપના કરવામાં આવી છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં આશરે 316 પ્રગતિશીલ પશુપાલકો BBBRC સાથે જોડાઈ ચૂક્યા છે. આ યોજના થકી પશુપાલકોના તબેલાને સ્થાનિક સ્તરે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા પશુધનના સંવર્ધનનાં કેન્દ્રો તરીકે વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ હેઠળ જોડાયેલા પશુપાલકોને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા જર્મપ્લાઝમ એટલે કે શ્રેષ્ઠ નસ્લના પશુઓના સંવર્ધન માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આના આધારે પશુપાલકોના ફાર્મ પર તૈયાર થતાં ઉત્તમ વાછરડાં, પાડીઓ કે ભ્રૂણમાંથી પસંદગીના પશુધનને ખરીદવાનો પ્રથમ અધિકાર BBBRC પાસે રહેશે. જો કેન્દ્ર કોઈ પશુધન ખરીદવાનું પસંદ ન કરે, તો પશુપાલક તેને ખુલ્લા બજારમાં વેચી શકશે. આ વ્યવસ્થાથી પશુપાલકોને દૂધના વેચાણથી થતી નિયમિત આવક ઉપરાંત ઉત્તમ નસ્લનાં પશુઓના વેચાણ થકી વધારાની આવક મેળવવાની તક મળશે. આ પહેલ પશુપાલનને આવકના વધુ એક સ્ત્રોત સાથે જોડવાનો પ્રયાસ છે.

ઉત્તમ નસ્લના પશુધનના સંવર્ધન માટે વૈજ્ઞાનિક માવજત અને પશુઓના આરોગ્યની નિયમિત દેખરેખ જરૂરી છે. આ ક્લબના સભ્યો પશુઓની ગર્ભાવસ્થા, વિયાણની તારીખ, માતા-પિતાની વંશાવળી, વજન અને દૈનિક દૂધ ઉત્પાદન સહિતની વિગતોનો રેકોર્ડ રાખે છે. આ ઉપરાંત, સભ્ય પશુપાલકોનાં પશુઓની વર્ષમાં એક વખત સઘન આરોગ્ય તપાસ પણ કરવામાં આવે છે. પશુઓની આરોગ્ય તપાસ અને તેમની વંશાવળી સહિતના રેકોર્ડ જાળવવાથી પશુધનની ગુણવત્તા અંગે વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ બને છે. તેનાથી ખરીદદારોનો વિશ્વાસ વધવાની સાથે પશુપાલકોને ઉત્તમ ગુણવત્તાવાળા પશુઓના યોગ્ય ભાવ મેળવવામાં પણ મદદ મળી શકે છે.

બનાસ ડેરી અને BBBRC દ્વારા શરૂ કરાયેલી આ પહેલ પ્રયોગશાળા પૂરતી મર્યાદિત ન રહેતાં ગામડાં સુધી પહોંચી રહી છે. સભ્ય પશુપાલકોના ફાર્મ પર અપનાવવામાં આવતી આધુનિક પદ્ધતિઓથી પ્રેરાઈને અન્ય પશુપાલકો પણ પશુઓના પોષણ, રહેઠાણ અને સ્વચ્છતા અંગે વધુ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી રહ્યા છે.

ભીલડી ખાતે શરૂ થનારા આ કેન્દ્ર અને ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ દ્વારા પશુપાલકોને પશુધનની ગુણવત્તા સુધારવા તથા આવકના નવા વિકલ્પો વિકસાવવા માટે પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. બનાસકાંઠાથી શરૂ થયેલી આ પહેલ ભવિષ્યમાં દેશના ડેરી ઉદ્યોગમાં વૈજ્ઞાનિક પશુસંવર્ધન અને પશુપાલકોની ભાગીદારીનું ઉદાહરણ બની શકે છે.