સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરના 26 વર્ષીય યુવકનો મહારાષ્ટ્રમાં ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરિયાઓ સામે આક્ષેપ

ભાવનગરના 26 વર્ષીય યુવકનો મહારાષ્ટ્રમાં ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરિયાઓ સામે આક્ષેપ

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય વિશ્વરાજસિંહ ગોહિલે મહારાષ્ટ્રમાં આપઘાત કર્યો છે. તેઓ ટીંબા પોસ્ટ ઓફિસમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેમનું મૂળ વતન પાલિતાણા તાલુકાનું છે.

વિશ્વરાજસિંહના લગ્ન 8 ફેબ્રુઆરી, 2026ના રોજ થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. 12 સપ્ટેમ્બરે તેમની પત્નીએ ઘરેલુ હિંસા અંગે પોલીસમાં અરજી કરી હતી. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

9 ઓક્ટોબરે વિશ્વરાજસિંહ કોર્ટમાં હાજરી આપવા ગયા હતા. ત્યારબાદ તેઓ ઘરેથી નીકળીને મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પર પહોંચ્યા હતા અને ઊંડી ખીણમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.

આપઘાત પહેલાં તેમણે 13 મિનિટનો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે પત્ની અને સાસરિયા પક્ષ પર માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. વીડિયોમાં તેમણે કલમ 498A અને ઘરેલુ હિંસા કાયદાના કથિત દુરુપયોગ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કાયદામાં સુધારાની અપીલ કરી હતી.

વિશ્વરાજસિંહના અંતિમ સંસ્કાર પાલિતાણા ખાતે કરવામાં આવ્યા છે. પરિવારજનો ન્યાયની આશા રાખી રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને વીડિયોમાં કરાયેલા આક્ષેપો, પોલીસ અરજી તથા દામ્પત્ય વિવાદના તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ જરૂરી છે.