સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરના યુવકનો મહારાષ્ટ્રમાં કોંકણકડા પર્વત પરથી આપઘાત, વીડિયોમાં કાયદા બદલવાની માંગ

ભાવનગરના યુવકનો મહારાષ્ટ્રમાં કોંકણકડા પર્વત પરથી આપઘાત, વીડિયોમાં કાયદા બદલવાની માંગ

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા હરિશ્ચંદ્રગઢ નજીક કોંકણકડા પર્વત પરથી ઊંડી ખીણમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા યુવકે 13 મિનિટનો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે કલમ 498 હેઠળના કેસને કારણે પોતાનું જીવન ટૂંકાવી રહ્યો હોવાનું જણાવ્યું હતું અને પુરુષો સામે થતા કાયદાના દુરુપયોગ સામે કાયદો બદલવાની માંગ કરી હતી.

મળતી વિગતો અનુસાર, વિશ્વરાજસિંહ 9 ઓક્ટોબરના રોજ કોર્ટની કાર્યવાહી પૂરી કરીને ઘરેથી બાઇક લઈને નીકળ્યા હતા અને મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ પહોંચ્યા હતા. ત્યાં કોંકણકડા પર્વત પરથી ખીણમાં કૂદતા પહેલા તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, 'જો તમારે દીકરો હોય અને તેનું ભવિષ્ય ન બગાડવું હોય તો આ વીડિયો શેર કરો અને કાયદો બદલો. 498ના કેસ લોકોની જિંદગી લે છે.'

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાકેનવાડા પોલીસે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી બાદ યુવકના મૃતદેહને ભાવનગર ખાતે મોકલી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિશ્વરાજસિંહના લગ્ન 8 ફેબ્રુઆરી, 2026ના રોજ ધારાબા સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સર્જાયેલા ઘરેલુ કંકાસ અને મનમુટાવ બાદ 12 સપ્ટેમ્બરના રોજ પત્નીએ પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા અંગે અરજી કરી હતી. આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન, કાળીયાબીડ સ્થિત અંજની સિટીમાં સાસરી પક્ષે વાતચીત કરવા ગયેલા વિશ્વરાજસિંહે આવેશમાં આવી પોતાના હાથની નસ કાપી લીધી હતી. આ બનાવ અંગે તેમના સસરાએ નીલમબાગ પોલીસ મથકે અરજી આપી હતી. ત્યારબાદ 9 ઓક્ટોબરના રોજ ઘરેલુ હિંસા સંબંધિત કેસમાં વિશ્વરાજસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કામગીરી પૂરી થયા બાદ તેઓ ઘરેથી બહાર જવાનું કહીને બાઇક લઈને નીકળી ગયા હતા અને મહારાષ્ટ્ર પહોંચી આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. આ ઘટનાથી ભાવનગર અને રાજપરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.