ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજસિંહે 13 મિનિટનો વીડિયો બનાવ્યા બાદ આ પગલું ભર્યું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. કાકેનવાડા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. યુવકની ડેડબોડી ભાવનગર મોકલવામાં આવી છે.
વિશ્વરાજસિંહના લગ્ન 8 ફેબ્રુઆરી, 2026ના રોજ ધારાબા અજયસિંહ સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઘરેલુ બાબતોને લઈને 12 સપ્ટેમ્બરના રોજ ધારાબાએ પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા અંગે અરજી કરી હતી. આ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
કાળીયાબીડની અંજની સિટીમાં આવેલા સાસરીમાં વાતચીત દરમિયાન વિશ્વરાજસિંહે પોતાના હાથની નસ કાપી લીધી હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે તેમના સસરા દ્વારા નીલમબાગ પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘરેલુ હિંસા સંબંધિત કેસમાં 9 ઓક્ટોબરના રોજ વિશ્વરાજસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી બાદ તેઓ ઘરેથી બહાર જવાનું કહી બાઇક લઈને નીકળ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર પહોંચીને હરિશ્ચંદ્રગઢના ખીણમાં કૂદીને મોતને વ્હાલું કર્યું હતું.
ટીંબા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા વિશ્વરાજસિંહે અંતિમ વીડિયોમાં કહ્યું છે, 'આજે હું આ ખીણમાં કૂદીને જીવ આપવાનો છું. જ્યારે તમને જિંદગીમાં કોઈ આશા જ ન દેખાય. અંતરઆત્મા તૂટી જાય છે. આપણે એવું કહેતા હોય છીએ કે લગ્ન પવિત્ર સંબંધ છે અને તેને જન્મો જન્મ નિભાવતા હોય છીએ. આ બધું બોલવા અને લખવામાં સારું લાગે. મોડર્ન જમાનામાં બે માણસના વિચાર, સ્વભાવ અને આદતો મેચ ન થાય અને કલેશ ઊભા થાય ત્યારે ડિવોર્સ લે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એવો કાયદો કાઢ્યો છે, 498 ડોમેસ્ટિક વાયોલન્સના 90 ટકા કેસ ફેક છે. કોઈ આધાર નહીં, પૂરાવા નહીં અને બિલકુલ મૌખિક. જ્યારથી દીકરી અને તેના પરિવારમાં આ હથિયાર આવ્યું છે ત્યારથી દુરુપયોગ થાય છે. જમાઈ પર માનસિક, શારીક અને આર્થિક રીતે દબાણ કરી મરવા પર મજબૂર કરવામાં આવે છે.'
તેમણે વધુમાં કહ્યું, 'મારી સાથેના બે મિત્રોએ એક એક વાત કરી કે બાપુ તમે શું જોઈને લગ્ન કર્યા? મેં કીધું દીકરી ડાહી હોવી જોઈએ. મને ખબર નહોતી કે આટલી મોટી ત્સુનામી પહેલાની શાંતિ હશે. એ લોકોને આ જ ડર હતો. ઓથોરિટી શું કરે છે? કાયદો નબળો કહેવાય, માણસે લગ્ન જેવી બાબતોમાં ડરવું પડે છે.'
'શું બન્યું મારી સાથે? કેસમાં લખાવે છે હું, મારા માતા અને મારા ભાઈ વાતે વાતે ઢોર માર મારતા. આ સાવ ફેબ્રિકેટેડ છે અને પોલીસ પાછી પૂરાવા માગતી નથી. કાયદો દીકરી તરફ નમેલો છે. દીકરી પાત્ર આટલા યુગમાં નબળું રહ્યું નથી. જામનગરમાં હમણાં કિસ્સો બન્યો, દિલ્હીમાં બન્યું. હું કૂદું છું પણ સારું છે મને ધક્કો મારતા નથી. રાજસ્થાનમાં પત્નીએ પતિને ધક્કો મારી દીધો હતો. એકને ડ્રમમાં નાંખી દે છે મારીને. સ્ત્રીમાં બધું છે વાસના, લાલચ, ક્રોધ છે છતાં કાયદો નમેલો કેમ? હું એટલી માંગ કરું છું કે, મને અનેકવાર આવા દબાણો કર્યા. સમાધાનની ઓફિસમાં પણ ઓથોરિટી નમેલા. દીકરી વાળા કહે છે અમારું સોનું એમની પાસે છે. જ્યારે હું કહું છું કે અમારી પાસે સાક્ષીઓ છે.'
'અમારી સોસાયટીમાં મારા પત્નીને ખેંચી તાણીને લઈ જાય છે અને ત્યારે કહે છે કે, મારે નથી આવવું તમારી સાથે, મારી સાથે કંઈ કરતા નથી છતાં લઈ ગયા. મારા પત્નીનું પછી મન બદલાવી નાંખવાના જ હોય, જો નાટક કર્યું હોય તો એ વિચારવું કે સ્ત્રી કેટલું નાટક કરીને ફસાવી શકે છે. અમારી પાસેથી એમનું સોનું માગે છે પણ અમારું સોનું પરત લાવવા કોઈ દબાણ નથી કરવામાં આવતું. અમારી પાસે સાક્ષીઓ છે. મારા મમ્મીને બેફામ બોલીને ગયા હતા. આ બધા ગુના છે. કોઈને મરવા મજબૂર કરવા એ પણ ગુનો છે. મે, મારા ભાઈ કે માતાએ ઢોર માર માર્યો હોય એ સાબિત કરી બતાવે, માર્યું હોય તો દવાખાને તો જાયને.'
'દરબારનું કૂળ નથી સમજતું કે દીકરી પરણાવી છે તો તેની જિંદગી માટે પરણાવી છે.' જ્યારે તેના માતા-પિતા મારા પત્નીને ખેંચીને લઈ ગયા ત્યારે તેને જમાઈ માટે માન સન્માન જેવું કંઈ નહીં. ફોનમાં કે સામે હોય તો કોઈ માન નહીં, ડાયરેક્ટ વટ અને ડારો. મને કહે બાપ સમાન છું. બરાબર છે. મારો બાપ મને લૂંટે? મારો બાપ મને તક આપે અને માફ કરે.'