ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક છઠ્ઠી ઓક્ટોબરે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. ઝડપથી આવી રહેલી કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર છ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
મૃતકોની ઓળખ વિજય, સાધુ, જિગ્નેશ, ભાર્ગવ, હિરેન અને યોગેશ તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર, આ તમામ લોકો અલંગ શિપબ્રેકિંગ યાર્ડના બે અલગ-અલગ પ્લોટમાં ફરજ બજાવતા સ્ટાફના સભ્યો હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જયેશને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટનાના સમાચાર મળતાં જ મૃતકોના પરિવારજનો સહિત સમગ્ર અલંગ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.