સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરમાં ફરી શંકાસ્પદ મોત: કેફી પીણાં પછી યુવકનું નિધન, તપાસ શરૂ

ભાવનગરમાં ફરી શંકાસ્પદ મોત: કેફી પીણાં પછી યુવકનું નિધન, તપાસ શરૂ

ભાવનગરમાં તાજેતરના લઠ્ઠાકાંડ બાદ ફરી એક શંકાસ્પદ મોતના કિસ્સામાં પોલીસ તપાસ કરી રહી છે. ભાવેશ ધીરુભાઈ વિસાણી નામના યુવકે કેફી પીણું પીધા બાદ અસ્વસ્થતા અનુભવી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ભાવેશ વ્યવસાયે સ્કૂલ રિક્ષા ચલાવતા હતા.

મળતી માહિતી મુજબ, ભાવેશ તાજેતરમાં સિહોરના નવનાથ દર્શન કરવા ગયા હતા. ઘરે પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો, ગભરામણ અને ઉલ્ટીઓ શરૂ થઈ હતી. તેમણે પત્નીને જણાવ્યું કે તેઓએ કેફી પીણું પીધું છે. પરિવારે તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.

ઘટનાની જાણ થતાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો હોસ્પિટલ પહોંચી હતી. મૃતકના બ્લડ સેમ્પલ ગાંધીનગર અને વિસેરા જૂનાગઢ મોકલાયા છે. પરીક્ષણમાં મિથેનોલ હતું કે નહીં તેમજ કેફી પીણું મોતનું કારણ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. આ મામલે વધુ વિગતો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મળશે.