ભાવનગર જિલ્લામાં RTE અધિનિયમ હેઠળ પ્રવેશ આપનારી ખાનગી શાળાઓને પ્રથમ સત્રની ફી કે વળતર હજુ સુધી સરકાર તરફથી મળ્યું નથી. આથી ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે.
RTE અધિનિયમ હેઠળ સરકાર ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ આપે છે. આ વિદ્યાર્થીઓ માટે FRC મુજબ મંજૂર થયેલી ફી કે વળતર વર્ષમાં બે હપ્તામાં ચૂકવવાનું હોય છે, પરંતુ શાળાઓને પ્રથમ સત્રની ચુકવણી પણ હજુ મળી નથી.
સ્વનિર્ભર શાળા મંડળના મનહર રાઠોડે જણાવ્યું કે FRC મુજબ મંજૂર થયેલી ફી કરતાં RTE હેઠળ ઘણું ઓછું પેમેન્ટ મળે છે. આથી શાળાઓ આર્થિક ખોટ વેઠીને પણ RTE હેઠળ આવતા બાળકોને ભણાવી રહી છે.
જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું કે રિએમ્બર્સમેન્ટની ચુકવણીની પ્રક્રિયા હાલ ચાલુ છે અને આગામી બે-ત્રણ દિવસમાં પ્રથમ સત્રની ચુકવણી કરી દેવામાં આવશે.
દિવાળી નજીક આવી રહી હોવાથી શાળા સંચાલકો પર શિક્ષકો તથા અન્ય કર્મચારીઓને પગાર અને તહેવારનો એડવાન્સ પગાર ચૂકવવાની જવાબદારી છે. સરકાર તરફથી નિયમિત ગ્રાન્ટ ન મળે તો શાળાઓએ માત્ર વિદ્યાર્થીઓની ફી પર આધાર રાખવો પડે છે.
મંડળની માંગ છે કે 20 ઓક્ટોબર સુધીમાં RTEની રકમ મળી જાય તો શાળાઓ તેમનું આર્થિક આયોજન સુચારુ રીતે કરી શકે અને શિક્ષકો તથા કર્મચારીઓ દિવાળીનો તહેવાર આનંદથી ઉજવી શકે.