ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે બનાવવામાં આવેલા રિચાર્જ સ્ટ્રક્ચર્સ કાગળ પર જ હોવાના આક્ષેપ સામે આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ સ્ટ્રક્ચર્સ બિનઉપયોગી સાબિત થયા છે, જેને લઈને લાખોની ભ્રષ્ટાચારની શંકા ઊંડી થઈ છે.
શહેરના કુંભારવાડા હેલ્થ સેન્ટરની પાસે મહાનગરપાલિકાએ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે એજન્સીને રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવાનું કામ સોંપ્યું હતું. ત્યાં ખાડો ખોદવામાં આવ્યો, પરંતુ લાંબા સમય સુધી એ ખાડો ખુલ્લો પડ્યો રહ્યો. અંતે સ્થાનિક સ્તરે તેમાં માટી પૂરી દેવામાં આવી. જ્યારે નિયમ મુજબ ત્યાં પાકી ઈંટનું ચણતર થવું જોઈએ. આ કામ માટે તંત્ર દ્વારા લાખો રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ વિસ્તારના નગરસેવક કિશન મેર અને કોંગ્રેસ પ્રમુખ લાલભા સ્થળ પર ધસી ગયા હતા અને તંત્રની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, સ્થળ પર તપાસ કરાવવામાં આવશે. જો કામમાં ખોટ જણાઈ તો એજન્સીને બ્લેકલિસ્ટ કરીને પેમેન્ટ વસૂલ કરવામાં આવશે.
ભાવનગર મહાનગરપાલિકામાં આ પ્રકારની પ્રજાલક્ષી કામગીરીમાં અધિકારીઓની બેદરકારીની ઘટનાઓ પહેલાં પણ સામે આવી છે. અધિકારીઓની જવાબદારી છે કે તેઓ સ્થળ તપાસ કરે, ગુણવત્તા ચકાસે અને ત્યારબાદ જ ચૂકવણી કરે. પરંતુ વાસ્તવમાં કામ ચાલતું હોય ત્યારે પણ અધિકારીઓ સ્થળ પર જતા નથી અને આંખ આડા કાન કરીને ચૂકવણી કરી દેવામાં આવે છે. આ ઘટના તેનું જીવતું ઉદાહરણ છે. ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ ઓફિસમાં બેસીને જ વહીવટ કરે છે, જેના કારણે પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને ખોટી એજન્સીઓ મહાનગરપાલિકાને લૂંટી રહી છે.