ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ અને મોટા વળતરની લાલચ આપીને નાણાં પડાવી લેવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના નિર્માતા ભાવેશ તન્નાએ અમદાવાદના ડિરેક્ટર અખિલ કોટક સામે ₹19,37,500ની આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પોલીસ રેકોર્ડ મુજબ, વર્ષ 2024માં 'મંજરી' ટાઇટલ હેઠળ એક ગુજરાતી ફિલ્મ માટે ₹27 લાખનો અંદાજિત ખર્ચ નક્કી કરાયો હતો, જેમાં ભાવેશ તન્ના રોકાણ કરવા સંમત થયા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમને આ પ્રોજેક્ટથી ₹75 લાખની સરકારી સબસિડી મળશે અને સેટેલાઇટ તથા ડિજિટલ રાઇટ્સના વેચાણમાંથી અંદાજે ₹50 લાખની આવક થશે તેવો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો.
આ ભરોસે તન્નાએ જૂન અને જુલાઈ 2024 દરમિયાન RTGS, ગૂગલ પે, આંગડિયા અને રોકડ સ્વરૂપે તબક્કાવાર કુલ ₹19,37,500 ચૂકવ્યા હતા. આ સમજૂતીના ભાગરૂપે નિર્માતાના દીકરાને પણ ફિલ્મમાં અભિનયની તક આપવામાં આવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે શૂટિંગ પૂર્ણ થયા બાદ એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન માટે વધારાના ₹20 લાખની માંગ કરવામાં આવી હતી. તન્નાએ વધારાનું ભંડોળ આપવાનો ઇનકાર કરતાં, તેમની સંમતિ કે જાણ વગર મૂળ ટાઇટલ 'મંજરી' બદલીને ફિલ્મનું નામ 'કખગઘ' કરી દેવાયું હોવાનો આક્ષેપ છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ 'કખગઘ' નામે થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે.
પોતાની ફરિયાદ નિવારવા માટે ભાવેશ તન્નાએ 'વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ એસોસિએશન' (WIFPA)નો સંપર્ક કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, સંસ્થાની સમિતિએ સાંભળ્યા બાદ અખિલ કોટકને ₹19,37,500 પરત ચૂકવવા સૂચના આપી હતી. છતાં પૈસા ન મળતાં નિર્માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધીને નાણાકીય વ્યવહારો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી શરૂ કરી છે.
(ડિસ્ક્લેમર: આ અહેવાલમાં દર્શાવેલા તમામ આક્ષેપો ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂ કરેલી વિગતો પર આધારિત છે.)