ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસ માટે બે મહત્વાકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મળી છે. રાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ પ્રોજેક્ટ્સ અંગે મહત્વની જાહેરાત કરી છે.
શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે દેસાઈનગરથી નારી ચોકડી થઈને વરતેજ સુધી આશરે ₹650 કરોડના ખર્ચે વિશાળ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
બીજી તરફ, ઔદ્યોગિક અને શ્રમજીવી વિસ્તાર ગણાતા કુંભારવાડા ખાતે રેલવે ફાટકની વર્ષો જૂની સમસ્યાના કાયમી નિવારણ માટે ₹150 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક ઓવરબ્રિજ બનાવવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે, માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા મહાનગરપાલિકાનું સંયુક્ત સંકલન રહેશે.
દેશભરમાં ફાટક-મુક્ત વ્યવસ્થા ઊભી કરવાના અભિયાન અંતર્ગત કુંભારવાડા ફાટક પર આ ઓવરબ્રિજ બનાવવાનું નક્કી થયું છે. ટ્રાફિક સુગમ રહે તે માટે આ બ્રિજ પર વાહનોને ચઢવા અને ઉતરવા માટે અલગ-અલગ માર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.